નાના-મોટા અનેક રજવાડાઅોનો ભારતમાં વિલય કરીને ભારતને વિરાટ અને મજબૂત રાષ્ટ્ર બનાવનાર અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલને નિર્વાણ દિને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા શ્રી જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સરદાર પ્રેમીઅોએ ભજન-ભોજન અને અગ્રણીઅોના પ્રવચનોનો લાભ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે શ્રી જલારામ જ્યોત મંદિર, સડબરીના ચેરમેન અને ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ મશરૂએ ઉપસ્થિત સૌ મહેમાનો અને શ્રોતાઅોનું સ્વાગત કરી મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ શ્રી અમિત શર્મા, SPMSના ઉપપ્રમુખ શરદભાઇ પરીખ, NCGOના ચેરમેન સીજે રાભેરૂ, 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ, જયંતિભાઇ પટેલ, જીતુભાઇ પટેલ, ગિરીશભાઇ મશરૂએ સરદાર શ્રીની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી.
SPMSના ઉપપ્રમુખ શ્રી શરદભાઇ પરીખ, બ્રેન્ટના ભૂતપૂર્વ મેયર શ્રી હર્ષદભાઇ પટેલ, NCGOના પ્રમુખ શ્રી સીજે રાભેરૂ, ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ શ્રી અમિતભાઇ શર્મા તેમજ શ્રી સીબી પટેલે ભારતને અખંડ બનાવનાર સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમની કામગીરીની સરાહના કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રવચનો બાદ રાષ્ટ્રગીત ગાન થયું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ SPMSના ક્રિષ્નાબેન પૂજારાએ કરી હતી અને સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ માટે મંદિરની સવલત આપવા બદલ શ્રી જલારામ જ્યોત મંદિરના ટ્રસ્ટીઅો અને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
SPMS દ્વારા કાર્યક્રમની ગરિમાને લક્ષમાં રાખીને કાર્યક્રમનું આયોજન કોઇ રેસ્ટોરંટ કે પબમાં કરવાને બદલે મંદિરમાં કરાયું હતું. જેને અપ્રતિમ સફળતા સાંપડી હતી. ૪૦૦ જેટલા સરદાર પ્રેમીઅોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે જલારામ જ્યોત મંદિરના પૂજારી અને ગુજરાતના જાણીતા મ્યુઝીક સ્કોલર શ્રી પિનાકીનભાઇ રાવલ અને તેમના ગૃપે ભજનો રજૂ કર્યા હતા. જેમાંના કેટલાક ભજનો સરદાર શ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પિનાકીનભાઇએ ખાસ જાતે લખ્યા હતા.
૦૦૦૦૦૦૦
સરદાર શ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાળા નાણાંની ઝૂંબેશની સરાહના કરતા NCGOના ચેરમેન શ્રી સીજે રાભેરૂ

