$૪૮ મિલિયનનું વળતર ચૂકવવા ભારતીય અમેરિકન જજનો આરોપીને આદેશ

Tuesday 22nd February 2022 15:35 EST
 
ભારતીય અમેરિકન જજ મનીષ શાહ
 

સાન ફ્રાન્સિસ્કોઃ ભારતીય અમેરિકન જજ મનિષ શાહે પાકિસ્તાનના રાવલપિંડીના ૩૩ વર્ષીય મુહમ્મદ આતીક ને છેતરપિંડીના કેસમાં ૧૨ વર્ષની સજા અને વળતર પેટે લગભગ $૪૮ મિલિયનનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. ઈલિનોઈસમાં કાર્યરત જજ શાહે $ ૨.૪ મિલિયનની કેશિયર ચેક અને $૧ મિલિયનની રોકડ રકમ જપ્ત કરવા આદેશ આપ્યો હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ જણાવયું હતું.
કોર્ટના ડોક્યુમેન્ટ્સ પ્રમાણે આતીક અમેરિકામાં કેટલાંક સ્થળે આવેલી ૨૦થી વધુ હોમ હેલ્થ એજન્સીના ઈલેક્ટ્રોનિક મેડિકલ રેકર્ડની જાળવણી તથા મેડિકેર બીલ્સ સંભાળતી હોમ હેલ્થ કેર કન્સલ્ટિંગ કંપનીની ઈસ્લામાબાદ ઓફિસમાં કામ કરે છે.
અમેરિકામાં હોમ હેલ્થ એજન્સી મેળવવા અને તેનું સંચાલન કરવા માટે આતીકે નીલેશ પટેલ, સંજય કપૂર અને રાજેશ દેસાઈ સહિત સંખ્યાબંધ નકલી આઈડેન્ટિટીનો ઉપયોગ કર્યો હતો.
એક વખત આ એજન્સીઓ આતીકના નિયંત્રણમાં આવી જતા તેણે એજન્સીઓને હોમ હેલ્થ સર્વિસીસ માટે મેડિકેરના ખોટા ક્લેઈમ સુપરત કરવા જણાવ્યું હતું. તેના પરિણામે સર્વિસીસ માટે ૪૦ મિલિયન ડોલર જેટલી રકમ ચૂકવાઈ હતી.
મની લોન્ડરિંગના કાવતરાના ભાગરૂપે આતીકે તેના અમેરિકાના કર્મચારીઓને છેતરપિંડી દ્વારા મળેલી રકમના ચેકો વિદેશી મની ટ્રાન્સમિટિંગ બિઝનેસીસના વિદેશી ગ્રાહકોએ નિયુક્ત કરેલા અમેરિકી બેંક અકાઉન્ટ્સમાં જમા કરવા સૂચના આપી હતી. બાદમાં, આ બિઝનેસીસે આતીકને પાકિસ્તાનમાં રોકડ ચૂકવણી કરી હતી તેમજ પાકિસ્તાનમાં આતીકના નિયંત્રણ હેઠળના બેંક અકાઉન્ટમાં નાણાં જમા કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter