સિયેટલ: જો વ્યક્તિનું કિસ્મત જોર કરતું હોય તો ગેમમાંથી પણ નસીબ ચમકાવી શકાય છે તે વાત 15 વર્ષના એલેક્સ બટલરે પુરવાર કર્યું છે. એલેક્સ બટલરે સાત વર્ષની વયે શોધેલી કાર્ડ ગેમ ટેકો વર્સીસ બરિટોને ટોય કંપની પ્લે મોન્સ્ટરે મોટી રકમ આપી ખરીદી લીધી છે. એમેઝોન પર આ 20 ડોલરની કિંમતના 15 લાખ કરતાં વધુ યુનિટ અત્યાર સુધીમાં વેચાઇ ગયા છે.
એલેક્સ બટલર સાત વર્ષનો હતો ત્યારે જ તેણે 10 લાખ ડોલર્સની કમાણી કરી લીધી હતી. તેણે શોધેલી કાર્ડ ગેમ ટેકો વર્સીસ બરિટો ખૂબ લોકપ્રિય બની છે. એલેક્સ બટલરે શોધેલી ગેમને બજારમાં મૂકવા માટે તેના પિતા માર્ક બટલર અને માતા લેસ્લી પિયરસને પણ સહાય કરી હતી.
જોકે, પોતાની આગેમને જબરદસ્ત સફળતા મળવા છતાં એલેક્સને પોતાની આ ગેમનું કોઇ વળગણ નથી. તેણે જણાવ્યું હતું કે હું કદી કોઇ ચીજનું વળગણ ધરાવતો નથી. એલેક્સની આ ગેમ ઓનલાઇન પ્લેટફોર્મ સિવાય પણ વેચાઇ રહી છે. પોતાના ગેમ્સના સામ્રાજ્ય પર નજર રાખતાં એલેક્સે પોતાની આ સફળ ગેમના રાઇટ્સ પ્લે મોન્સ્ટર નામની ટોય કંપનીને વેચી દીધાં છે. પ્લે મોન્સ્ટર કંપનીની સ્પિરોગ્રાફ, ફાર્કલ અને યતિ ઇન માય સ્પેઘેટી પ્રોડકટસ જાણીતી છે. જોકે આ સોદાની વધુ વિગતો જારી કરાઇ નથી. પણ આ ગેમ એમેઝોન પર 20 ડોલર્સની કિંમતે વેચાય છે. એમેઝોને આ ગેમની અત્યાર સુધીમાં 15 લાખ કોપીઓ વેચી છે. આ ગેમના બે એક્સપાન્સન પેક પણ છે. એલેક્સે ‘સિયેટલ ટાઇમ્સ’ અખબારને જણાવ્યું હતું કે હું કોઇ ચીજનું વળગણ ધરાવતો નથી. મારા માટે તે બહુ મહત્વની નથી. હું તેમાંથી મહત્તમ નાણાં રળવા માંગતો હતો. એલેક્સની માતા પણ ઉદ્યોગસાહસિક છે. જ્યારે એલેક્સે એક્સપ્લોડિંગ કિટન્સ જેવી કાર્ડ ગેમ્સ રમ્યા બાદ પોતાની આગવી ગેમના વિચારો રજૂ કર્યા ત્યારે તેની માતા લેસ્લીએ તેને પ્રોત્સાહિત કર્યો હતો.
ગેમની પ્રોડકશન કોસ્ટ કવર કરવા માટે એલેક્સની માતાએ ઓનલાઇન ફંડરેઇઝર શરૂ કર્યું હતું. 25,000 ડોલર્સની પ્રોડકશન કોસ્ટની ગેમ વિકસાવવા માટે એલેક્સના માતાપિતાએ હોલ્ડિંગ કંપની સ્થાપી હતી. એ પછી ગેમને એમેઝોન પર લોન્ચ કરવામાં આવી હતી. અગાઉ પણ આ ગેમ ખરીદવાની ઓફર આવી હતી પણ તેમણે તે તમામ નકારી કાઢી હતી. હવે એલેક્સને મ્યુઝિક પ્રોડકશન, સ્પોર્ટસ અને વીડિયો ગેમમાં વધારે રસ પડે છે.