2,000થી વધુ કંપનીઓનો ટ્રમ્પ તંત્ર સામે અબજો ડોલરના રિફંડનો દાવો

Sunday 08th March 2026 06:53 EDT
 
 

વોશિંગ્ટનઃ કોઈ વાહન પૂરઝડપે દોડતું હોય અને અચાનક આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કરતાં ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે. આ ચુકાદાના પગલે અત્યાર સુધીમાં ટ્રમ્પ તંત્ર પર 2000થી પણ વધુ આયાતકારોએ રિફંડના કેસો ઠપકારી દીધા છે, જે પરત આપવા ટ્રમ્પ ઇચ્છુક નથી.
ઉલ્લખનીય છે કે અગાઉ પણ 27 જેટલા કારોબારોએ તો ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને પડકાર્યો જ હતો. આ કેસ નીચલી કોર્ટોમાં હતા. તેઓએ હવે રિફંડ મેળવવા માટે આ કેસો રિઓપન કરવા જણાવ્યું છે. હવે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ આગામી દિવસોમાં નક્કી કરશે કે 1500થી પણ વધુ આયાતકારોને તેમના રૂપિયા મળશે કે નહીં. ટ્રમ્પ વહીવટી તંત્ર નવી ટેરિફ નીતિનો અમલ જ ન કરી શકે અને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરે તે માટે કારોબારોએ તો કોર્ટમાં ધા નાખી છે.

નાના કારોબારોના જૂથના વકીલે ટ્રેડ કોર્ટમાં ત્રણ જજની પેનલ સમક્ષ અરજી ફાઇલ કરી છે કે અમેરિકન વહીવટી તંત્રની ટેરિફ પોલિસીનો અમલ અટકાવીને રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. અહીં ફક્ત રિફંડ જ આપવાનું છે તેવું નથી, આ રકમ ટ્રમ્પ તંત્રે વ્યાજ સાથે પરત આપવાની છે, કારણ કે અમેરિકન ન્યાય વિભાગના વકીલોએ જ જણાવ્યું હતું કે જો નાના કારોબારીઓ કેસ જીતશે તો તેમને વ્યાજ સાથે રકમ પરત મળશે. હવે સરકારે તેના વચનનું પાલન કરવાનું છે. કારોબારીઓનું પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ અને લિબર્ટી જસ્ટિસ સેન્ટરના લિટિગેશન ડિરેક્ટર જેફ્રી સ્કૂબે જણાવ્યું હતું કે સરકારે હવે પોતાના વચનનું પાલન કરવાનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter