21 વર્ષીય ઇન્ડો-કેનેડિયન ટિકટોકર મેઘા ઠાકુરનું નિધન

Thursday 08th December 2022 12:22 EST
 
 

ટોરોન્ટોઃ લોકપ્રિય ઈન્ડો-કેનેડિયન ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેઘા ઠાકુરનું નિધન થયું છે. તે 21 વર્ષની હતી. મેઘા ઠાકુરના નિધનથી પરિવારની સાથે તેના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. મેઘાના માતા-પિતાએ પુત્રીના નિધનની પુષ્ટિ કરતી પોસ્ટ શેર કરીને દુનિયાને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. ટિકટોક સ્ટારના માતા-પિતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે અમારી સુંદર દીકરીનું 24 નવેમ્બરના રોજ અચાનક નિધન થયું છે.’ આ ઈમોશનલ પોસ્ટમાં આગળ તેમણે દિવંગત પુત્રીને મહેનતુ ગણાવતાં લખ્યું છે, ‘મેઘા એક આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર યુવતી હતી. તે તેના ચાહકોને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી તે ઇચ્છતી હતી કે દરેકને તેના મૃત્યુ વિશે ખબર પડે. આ સમયે, અમે મેઘા માટે તમારી પ્રાર્થના અને સંવેદના માંગીએ છીએ. તમારા વિચારો અને પ્રાર્થના તેની આગળની સફરમાં તેની સાથે રહેશે.’
મેઘાના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોસ્ટ શેર કરી રહ્યા છે. તો ઘણા ચાહકોએ મેઘાના માતા-પિતાની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની લાગણીઓ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે મેઘા ઠાકુર સોશિયલ મીડિયા પર તેના લુક અને કર્વી ફિગર માટે ફેમસ હતી. તે ઘણી વાર બોડી પોઝિટિવિટી વિશે વાત કરતી હતી અને તેના ફેન્સને પ્રોત્સાહિત કરતી રહેતી હતી. તે મૂળ મધ્ય પ્રદેશના ઈન્દોરની વતની છે, પરંતુ તે તેના માતા-પિતા સાથે કેનેડાના ઓન્ટારિયોના બ્રામ્પટનમાં રહેતી હતી. ટ્વિટર પર તેના 93,000 ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 102,000 ફોલોઅર્સ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter