ન્યૂયોર્કઃ ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે. તેની એઆઈ હાયરિંગ કંપની ઝડપભેર વિકસી રહી છે. સૂર્યનો જન્મ માઉન્ટેન વ્યૂમાં થયો હતો અને તેના પેરેન્ટ્સ દિલ્હીથી અમેરિકા જઈને વસ્યા છે.
ફેસબુકની સ્થાપના કર્યા બાદ 2008માં માર્ક ઝુકરબર્ગ 23 વર્ષની વયે બિલિયોનેર બની ગયા હતા. સૌથી યુવા બિલિયોનેરનો રેકોર્ડ અત્યાર સુધી માર્ક ઝુકરબર્ગના નામે હતો. 18 વર્ષ પછી એ રેકોર્ડ તૂટ્યો છે અને એ પણ એક ભારતીય મૂળના યુવાને રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધા નામનો 22 વર્ષનો યુવાન દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. ‘ફોર્બ્સ’ના કહેવા પ્રમાણે સૂર્યાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર છે. તે મેરકોર નામની એઆઈ સ્ટાર્ટઅપ કંપનીનો સહસ્થાપક અને ચેરમેન છે. કંપનીની વેલ્યૂશન 10 બિલિયન ડોલર છે અને ગયા વર્ષના અંતે આ વેલ્યૂએશનના આધારે કંપનીએ 35 કરોડ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. તેમની કંપની મેરકોર અન્ય કંપનીઓને એઆઈ હાયરિંગની સર્વિસ આપે છે. એઆઈ મોડલને કંપનીની જરૂરિયાત પ્રમાણે ટ્રેઈન કરે છે અને ચેટબોટ્સ બનાવીને કંપનીઓને સર્વિસમાં મદદ કરે છે. આ કંપનીની સ્થાપના 2023માં થઈ હતી. માત્ર ત્રણ જ વર્ષમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. કંપનીની સ્થાપના સૂર્યાએ તેના સ્કૂલ ફ્રેન્ડ અને ભારતીય મૂળના આદર્શ હિરેમઠ ઉપરાંત બ્રેન્ડન ફૂડી સાથે મળીને કરી હતી. બ્રેન્ડન ફૂડી અત્યારે કંપનીનો સીઈઓ છે.
કોલેજના દોસ્તોનું સહિયારું સાહસ
સૂર્યા મિધા જયોર્જટાઉન યુનિવર્સિટીમાં ફોરેન સ્ટડીઝ ભણતો હતો. એ સમયે જ ભારતીય મૂળના આદર્શ હિરેમઠ સાથે સૂર્યાનો પરિચય થયો. બ્રેન્ડન એ જ કોલેજમાં ઈકોનોમિક્સ વિભાગમાં ભણતો હતો. સૂર્યા અને આદર્શની મુલાકાત પોલિસી ડિબેટની નેશનલ સ્પર્ધામાં થઈ હતી. આદર્શ હાર્વર્ડમાં ભણતો હતો. સૂર્યા અને આદર્શે મળીને પોલિસી ડિબેટની નેશનલ સ્પર્ધા જીતી અને ત્રણેય દોસ્ત બન્યા. 2023માં ત્રણેયની વય 19-20ની હતી ત્યારે કંપની શરૂ કરી હતી. ‘ફોર્બ્સ’ના કહેવા પ્રમાણે આ ત્રણેયની નેટવર્થ 2.2 બિલિયન ડોલરની છે. ત્રણેય દુનિયાના ટોચના ત્રણ યુવા બિલિયોનેર છે. 10 બિલિયન ડોલરની વેલ્યુએશન ધરાવતી કંપનીમાં 300 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.


