વોશિંગ્ટનઃ દેશમાંથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા જોરશોરથી કવાયત કરનારું ટ્રમ્પ તંત્ર એક જ વર્ષમાં હાંફવા લાગ્યું છે. તેનો પુરાવો એ છે કે તેણે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને જાતે જ રવાના થવા માટે 2,600 ડોલરના એક્ઝિટ બોનસની ઓફર કરી છે.
હોમલેન્ડ વિભાગે જણાવ્યું છે કે આ રીતે ગેરકાયદે પરત ફરનારા વસાહતીને ઘરે જવાની ફ્રી ફ્લાઈટ મળશે અને અમેરિકાનું 2,600 ડોલરનું એક્ઝિટ બોનસ મળશે. તેઓએ સેલ્ફ ડિપોર્ટ થવા માટે સીબીપીનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રોજેક્ટહોમકમિંગ નામની આ પહેલ ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ કરાઇ હતી. ડીએચએસે માઈગ્રન્ટ્સને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ફોર્સ (સીબીપી) એપનો ઉપયોગ કરી આ પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. તેઓ આ એપમાં દેશ સ્વૈચ્છિક રીતે છોડવાનો ઇરાદો જણાવીને તેમની વિગતો આપીને ટ્રાવેલ આસિસ્ટન્સની મદદ લઈને આ પ્રોગ્રામ હેઠળ નાણાકીય પ્રોત્સાહન મેળવી શકે છે. ડીએચએસ મુજબ અમેરિકામાં 22 લાખથી પણ વધુ ગેરકાયદે વસાહતીઓ છે. તેમના માટેની આ યોજના છે. અમેરિકાએ એક વ્યક્તિને જો ડિપોર્ટ કરવો હોય તો તેનો ખર્ચ 18,245 ડોલર આવે છે.


