નવી દિલ્હી: અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ વગર રહેતાં 73 વર્ષનાં શીખ મહિલાને લગભગ 33 વર્ષના વસવાટ પછી અટકાયતમાં લઈને ભારત ડિપોર્ટ કરી દેવાયાં છે. આ મહિલાને તેના સગાસંબંધીઓને ગુડ બાય કહેવાની તક પણ આપવામાં આવી ન હતી, એમ તેના વકીલે જણાવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વકીલે દીપક અહલુવાલિયાએ જણાવ્યું હતું કે બીબી જી એટલે કે હરદીપ કૌર ભારત પરત આવી ગયાં છે ને પંજાબ પહોંચી ગયાં છે. કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેની દૈનિક ચકાસણી દરમિયાન અટકાયત કરી હતી. તેનો ભારે વિરોષ થયો હતો. તેના કુટુંબ અને કમ્યુનિટીના સભ્યોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ હતી. ઉત્તરી કેલિફોર્નિયામાં ઇસ્ટ બે ખાતે 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી રહેતાં કૌરને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઈ)એ દૈનિક ચકાસણી દરમિયાન અટકાયતમાં લીધાં હતાં. તેના કુટુંબની સાથે સમુદાયના સભ્યોએ પણ તેની અટકાયતનો વિરોધ કરીને તેમને છોડવાની માંગ કરી હતી.
આઈસીઈ અધિકારીઓએ તેને સાન ફ્રાન્સિસ્કો ઓફિસે વધારાના પેપરવર્ક માટે બોલાવવાનું કહીને અટકાયતમાં લઇ લીધાં હતાં. આ પછી તેમને બેકર્સફિલ્ડનાં અટકાયત કેન્દ્રમાં લઈ જવાયાં હતાં. અહલુવાલિયાએ તેની પોસ્ટમાં દાવો કર્યો હતો કે બેકર્સફિલ્ડથી તેમને લોસ એન્જલ્સ લઈ જવાઈ હતી અને ત્યાં તેને જ્યોર્જિયાની ફ્લાઈટમાં બેસાડી દેવાઈ હતી, ત્યાંથી તેને નવી દિલ્હી રવાના કરવામાં આવ્યાં હતાં. કૌરના કુટુંબીઓએ સત્તાવાળાઓને અંતિમ ગુડબાય કહેવાની તક આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમને આ મંજૂરી પણ આપવામાં આવી ન હતી.