વોશિંગ્ટનઃ ટેક્સાસમાં રહેતા ભારતવંશી સિદ્ધાર્થ મુખર્જી (સૈમી) અને તેમના પત્ની સુનીતા મુખર્જીની કરોડો રૂપિયાના રિઅલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ધરપકડ કરાઇ છે. આરોપ છે કે આ દંપતીએ નકલી ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ દ્વારા 100થી વધુ લોકો સાથે 40 લાખ ડોલર (33 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરી હતી. અહેવાલ અનુસાર આ દંપતી હાલમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઈ)ની કસ્ટડીમાં છે અને તેમના પર ફર્સ્ટ ડિગ્રીની ચોરીનો આરોપ છે. મુખર્જી દંપતીએ હાઈ રિટર્નનું વચન આપી રોકાણકારોને અસ્તિત્વમાં ન હોય તેવા રિઅલ એસ્ટેટ સોદાઓમાં ફસાવ્યા હતાં. આ માટે એકદમ સાચા જેવા દસ્તાવેજ અપાયા હતા, જેમાં ફેક રીમોડેલિંગ કોન્ટ્રાક્ટ અને ડલાસ હાઉસિંગ ઓથોરિટીના નકલી ચલણ સામેલ છે. આ છેતરપિંડીવાળી યોજના 2024માં તે સમયે પ્રકાશમાં આવી જ્યારે આ દંપતીએ 3,25,000 ડોલરના નુકસાનનો દાવો કર્યો અને અધિકારીનો સંપર્ક કર્યો હતો.