ન્યૂ યોર્ક: ઉબર એપનો ઉપયોગ કરી 800થી વધુ ભારતીય નાગરિકોની અમેરિકામાં દાણચોરી કરવાના આરોપસર 49 વર્ષીય ભારતવંશીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારાઇ છે.
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે રાજિન્દરપાલ સિંહ ઉર્ફે જસપાલ ગિલે ફેબ્રુઆરીમાં ગુના કબૂલીને સ્વીકાર્યું હતું કે તેણે દાણચોરી કરતી ગેંગના સભ્યના રૂપમાં અનેક ભારતીય નાગરિકોને કેનેડાથી સરહદ પાર કરાવી હતી અને પાંચ લાખ ડોલરથી વધુની રકમ મેળવી હતી.
કાર્યવાહક અમેરિકન એટર્ની ટેસા ગોર્મને જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના રાજિન્દરપાલને યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે 45 મહિનાની જેલની સજા ફટકારી છે. ચાર વર્ષમાં રાજપાલે 800થી વધુ લોકોને ઉત્તરી સરહદની પાર અમેરિકા અને વોશિંગ્ટન રાજ્યમાં દાણચોરી માટે લઇ જવાની વ્યવસ્થા કરી હતી. તેની આ વર્તણૂક વોશિંગ્ટનની સુરક્ષા માટે જોખમકારક છે. જુલાઇ, 2018થી રાજિન્દર અને તેના સહ કાવતરાખોરોએ કેનેડાના સિએટલ ક્ષેત્રમાંથી ગેરકાયદે સરહદ પાર કરાવવા માટે ઉબર એપનો ઉપયોગ કર્યો હતો.