9/11 હુમલાના ‘ફોલિંગ મેન’ની 25 વર્ષ બાદ ઓળખ થઇ!

Friday 18th September 2026 06:14 EDT
 
 

ન્યૂયોર્કઃ 9/11ના આતંકી હુમલા બાદ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સળગતા ટાવરમાંથી નીચે પડતા એક વ્યક્તિની તસવીર ‘ફોલિંગ મેન’ તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ હતી, પણ તે વ્યક્તિની ઓળખ થઇ શકી નહોતી. હવે આ આતંકી હુમલાના 25 વર્ષ બાદ એક નાનકડી કડીના આધારે તે રહસ્યમય વ્યક્તિની સંભવિત ઓળખ જાહેર થઈ છે. એક ટી-શર્ટે રહસ્ય ખોલ્યું છે. ફોટોગ્રાફર રિચાર્ડ ડુ દ્વારા લેવાયેલી તસવીરોમાં તે વ્યક્તિ ઊંધા માથે નીચે પડતો જોવા મળે છે. તપાસમાં જણાયું છે કે, હુમલા બાદ નીચે પડતી વખતે તે વ્યક્તિનો ઉપરનો શર્ટ હવામાં ઉડી ગયો હતો અને અંદર તેણે ચમકદાર ઓરેન્જ રંગનું ટી-શર્ટ પહેરેલું હતું. આ નાનકડી વિગત જ સૌથી મહત્ત્વની કડી સાબિત થઈ છે. આ ઓરેન્જ ટી-શર્ટના આધારે તે વ્યક્તિની ઓળખ 43 વર્ષીય જોનાથન બ્રાઈલી તરીકે કરાઇ છે. જોનાથન નોર્થ ટાવરના 106મા અને 107મા માળ પર આવેલી ‘વિન્ડોઝ ઓન ધ વર્લ્ડ’ રેસ્ટોરાંમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો.
જોનાથનની 72 વર્ષીય બહેન ગ્વેન બ્રાઈલી-સ્ટ્રેન્ડે જણાવ્યું કે, આ તસવીર તેના ભાઈ જેવી જ દેખાય છે. શરૂઆતમાં આ વાતથી પરિવારને ખૂબ દુ:ખ થયું હતું. કારણ કે કેથોલિક ધર્મમાં ટાવર પરથી કૂદવાને ‘આત્મહત્યા’ એટલે કે અક્ષમ્ય પાપ મનાય છે. ગ્વેને કહ્યું, તેમનો ભાઈ હુમલામાં માર્યા ગયેલા 2,977 નિર્દોષ લોકોમાંનો એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter