Barron’sના લિસ્ટમાં પાંચ ભારતીય અમેરિકન મહિલાઓનો સમાવેશ

Tuesday 15th March 2022 13:58 EDT
 
 

ન્યૂયોર્કઃ અમેરિકાની નાણાંકીય માહિતી અને અમેરિકન માર્કેટની ઘટનાઓને આવરી લેતા અમેરિકન પબ્લિકેશન Barron’s એ અમેરિકાના નાણાંકીય ક્ષેત્રને આકાર આપનારી 100 મહિલાઓની ત્રીજી વાર્ષિક યાદી બહાર પાડી છે. તેમાં દેશની કેટલીક સૌથી મોટી, સૌથી વધુ મહત્ત્વની કંપનીઓને કોવિડ મહામારીની અસરને અને તે સંદર્ભમાં ઉભા થયેલાં પડકારોને દૂર કરવામાં મદદરૂપ થયેલી મહિલાઓ પર વિશેષ ધ્યાન અપાયું છે. આ યાદીમાં ભારતીય અમેરિકન મહિલાઓ અનુ આયંગર, રૂપલ ભણસાળી, ડો. સોનલ દેસાઈ, ગુંજન કેડીયાનો સમાવેશ થાય છે.
અનુ આયંગર સ્મિથ કોલેજમાંથી ગ્રેજ્યુએટ અને વોન્ડરબીટ યુનિવર્સિટીમાંથી એમબીએ થયા પછી 1999માં જેપી મોર્ગનમાં જોડાયા હતા. હાલ તેઓ મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સના ગ્લોબલ કો - હેડ છે અને મલ્ટિ નેશનલ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસીસમાં નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આયંગર મહિલાઓને બિઝનેસમાં સાંકળવાના હિમાયતી છે. તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેંકના મહિલા નેટવર્કના કો - ચેર છે અને મહિલાઓની ભરતી અને તેમના વિકાસ માટે કાર્યરત છે. તેઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને શિકાગોની બૂથ સ્કૂલના ગેસ્ટ લેક્ચરર છે.
રૂપલ ભણસાળી 2011માં Arielસાથે જોડાયા હતા અને હાલ તેઓ Arielની ગ્લોબલ ઈકવિટી સ્ટ્રેટેજીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અને પોર્ટફોલિયો મેનેજર છે. તેઓ ગ્લોબલ રિસર્ચ સંભાળે છે અને મલ્ટિ બિલિયન ડોલર પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ કરે છે. તેમણે 1989માં તેમની કારકિર્દી શરૂ કરી હતી. ફોર્બ્સ દ્વારા 2015માં તેમને 'ગ્લોબલ ગુરુ' નું બિરુદ અપાયું હતું. તેઓ અવારનવાર બ્લૂમબર્ગ,  CNBC અને ફોક્સ બિઝનેસ ન્યૂઝમાં ગેસ્ટ તરીકે માર્ગદર્શન આપે છે. તેઓ કોલમ્બિયા લો સ્કૂલમાં ઈરા એમ મિલ્સ્ટેઈન સેન્ટર ફોર ગ્લોબલ માર્કેટ્સ એન્ડ કોર્પોરેટ ઓનરશીપના એડવાઈઝરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર છે.
ડો. સોનલ દેસાઈ કેલિફોર્નિયાના સાન મેટાઓમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ફિક્સ્ડ ઈન્કમ ગ્રૂપના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. તેઓ કંપનીની એકંદર વ્યૂહનીતિ ઘડવા માટે જવાબદાર કંપનીના ટોચના ઓફિસરોની નાની ફ્રેન્કલિન રિસોર્સિસ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય છે. તેઓ કોર પ્લસ, સ્ટ્રેટેજીક ઈન્કમ, ગ્લોબલ એબ્સોલ્યુટ રિટર્ન્સ અને ગ્લોબલ ફિક્સ્ડ ઈન્કમ સહિત કેટલીક સ્ટ્રેટેજીસના પોક્ટફોલિયો મેનેજર છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં કામ કર્યું છે.
ગુંજન કેડીયા 2016થી મિનેપોલીસના યુએસ બેન્કોર્પના વેલ્થ મેનેજમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસના વાઈસ ચેર છે. તેમણે સ્ટેટ સ્ટ્રીટ કોર્પોરેશન અને બેંક ઓફ ન્યૂયોર્ક મેલોનમાં એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી છે. તેમણે મહત્ત્વના કામમાં ગયા વર્ષે યુરોપમાં વેલ્થ મેનેજમેન્ટ યુનિટના વિસ્તરણનું નેતૃત્વ કર્યું હતું. તેમણે મહિલાઓમાં નાણાંકીય શક્તિના વ્યવસ્થાપન વિશે જાગ્રતિ કેળવી હતી.
સવિતા સુબ્રમણ્યમ બેંક ઓફ અમેરિકામાં યુ એસ ઈક્વિટી એન્ડ ક્વોન્ટિટેટિવ સ્ટ્રેટેજીના હેડ છે. તેઓ કંપનીની સેલ સાઈડ, યુએસ સ્ટોક માર્કેટ રિસર્ચ અને સેક્ટર સ્ટ્રેટેજી ભલામણનું કામકાજ સંભાળે છે. તેઓ BofAના એન્વાયર્નમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ રિસર્ચના ફર્સ્ટ હેડ તરીકે ફરજ બજાવે છે. સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં જન્મેલા અને ઉછરેલા સુબ્રમણ્યમે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાંથી મેથ્સ, ફિલોસોફી અને આર્ટનો અભ્યાસ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter