વોશિંગ્ટનઃ FBIના ડાયરેક્ટર કાશ પટેલે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલી જેફ્રી એપ્સ્ટેઈનની તપાસ મુદ્દે વ્યાપ્ત નિરાશાના અહેવાલો મુદ્દે તેમના રાજીનામાની અફવાઓનું ખંડન કર્યું છે અને આ કેસ સંબંધિત કાવતરાની થીઅરીઓને ફગાવી યુએસ પ્રેસિડેન્ટને સેવા આપવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો છે. FBI અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સંયુક્ત મેમોમાં ક્લાયન્ટ લિસ્ટ અને બ્લેકમેલના દાવાઓને નકારતા સ્પષ્ટ કરાયું છે કે તેના સમર્થનમાં કોઈ વિશ્વસનીય પુરાવાઓ મળ્યા નથી.
ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના વડા કાશ (કશ્યપ) પટેલે સોશિયલ મીડિયા X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કાવતરાંની થીઅરીઓ સાચી નથી, કદી પણ ન હતી. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટને સેવા આપવી તે સન્માન છે અને જ્યાં સુધી તેઓ જણાવશે ત્યાં સુધી આમ કરતો રહીશ.’ FBIના વડા કાશ પટેલે રાજીનામાની સંભાવનાની અફવાઓને ફગાવી અટકળો ખોટી હોવાનું જણાવવા સાથે યુએસ પ્રેસિડેન્ટને સેવા આપવાને પોતાનું ગૌરવ ગણાવ્યું હતું. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કોઈ વધુ માહિતી જાહેર કર્યા વિના જ જેફ્રી એપ્સ્ટેઈનની તપાસનો કેસ બંધ કરી દેવાના પગલે કથિત નિરાશા અનુભવતા કાશ પટેલ રાજીનામું આપી દેશે તેવા અહેવાલો મધ્યે એફબીઆઈના વડાએ આ કોમેન્ટ સાથે રાજીનામાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એટર્ની જનરલ પામ બોન્ડીએ એપ્સ્ટેઈન ફાઈલ્સની કામગીરી જે રીતે હાથ ધરી તેનાથી કાશ પટેલ નારાજ હોવાના દાવાઓ કરાયા હતા. બોન્ડીએ આ કેસ સંબંધિત વધુ રેકોર્ડ્સ જાહેર કર્યા ન હતા અને કાશ પટેલે બોન્ડીને તેમના પદ પરથી હટાવી દેવાય તેવી ઈચ્છા દર્શાવી હોવાનું પણ મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું. ટીકાકારોએ એપ્સ્ટેઈન સામે ટ્રાયલ ચાલવાની બાકી હતી ત્યારે ઓગસ્ટ 2019માં આત્મહત્યા કરી હોવાના સત્તાવાર તારણોને ફગાવી દીધા હતા અને શક્તિશાળી વ્યક્તિઓને બચાવવા તેની હત્યા કરી દેવાઈ હોવાના ષડયંત્રની થીઅરીઓ આગળ વધારી હતી.
FBI અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સંયુક્ત મેમોમાં આ દાવાઓને નકારતા સ્પષ્ટ કરાયું છે કે સિસ્ટેમેટિક રિવ્યૂમાં દોષિત ઠરાવી શકાય તેવું ક્લાયન્ટ લિસ્ટ મળ્યું નથી તેમજ એપ્સ્ટેઈન તેની પ્રવૃત્તિના ભાગરૂપે અગ્રણી વ્યક્તિઓને બ્લેકમેલ કરતો હોવાં વિશે પણ વિશ્વસનીય પુરાવાઓ મળ્યા ન હતા. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચેએ પણ FBI અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ વચ્ચે તિરાડ હોવાના દાવાઓને નકારી કાઢ્યા છે. સંયુક્ત મેમો અનુસાર તેમણે 300 ગિગાબાઈટ ડેટા અને ફીઝિકલ એવિડન્સીસની સમીક્ષા કરી હતી. દરમિયાન, પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાના MAGA સમર્થકોને બોન્ડીની ટીકાઓ બંધ કરી દેવા અપીલ સાથે જણાવ્યું હતું કે બોન્ડી ઘણું સારું કામ કરે છે અને તેને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા દો. પ્રેસિડેન્ટે એપ્સ્ટેઈન વિશે પૂછાતા પ્રશ્નો બાબતે નારાજી દર્શાવી હતી.