GOPIOના નેતૃત્વમાં ભારતીય અમેરિકન પ્રતિનિધિમંડળ ન્યૂયોર્કના મેયરને મળ્યું

Tuesday 08th March 2022 12:42 EST
 
 

ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક સિટી હોલ તરફથી મળેલા આમંત્રણને પગલે ભારતીય અમેરિકન કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ કોમ્યુનિટીની સમસ્યાઓ અને કોમ્યુનિટીના સભ્યો શહેર સાથે કેવી રીતે સંકળાઈ શકે તેના વિશે ચર્ચા કરવા એકઠાં થયા હતા. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ GOPIOના ચેરમેન ડો. થોમસ અબ્રાહમે સંભાળ્યુ હતું.

સિટી હોલનું પ્રતિનિધિત્વ મેયર એડમના ચીફ એડવાઈઝર ઈન્ગ્રીડ લુઈસ – માર્ટિન અને ડેપ્યુટી મેયર મીરા જોશીએ સંભાળ્યુ હતું.

આ અધિકારીઓ સાથેની વાતચીત પછી પ્રતિનિધિમંડળે મેયર એરિક એડમ્સની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો. ન્યૂયોર્કને રહેવા માટે ખૂબ આનંદદાયક બનાવવામાં કોમ્યુનિટીના યોગદાનની પ્રશંસા કરી હતી.

બેઠકમાં ફે્બ્રુઆરીમાં યુનિયન સ્ક્વેર પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને થયેલા નુક્સાનને GOPIOએ વખોડી કાઢ્યું હતું. પ્રતિનિધિમંડળે પાર્ક એરિયામાં પોલીસ બંદોબસ્ત વધારવા અને ગુનેગારોને ઝડપી લઈને તેમને સજા કરવા અનુરોધ કર્યો હતો. શહેરમાં ભેદભાવ, નાગરિક અધિકારોનું ઉલ્લંઘન અને ધાર્મિક સંસ્થાઓ પર હિંસા જેવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. તેમાં કેટલીક સમસ્યા માટે NYPD સાથે મળીને કામ કરવા માટે કોમ્યુનિટીમાંથી સમિતિની રચના કરવા ચીફ એડવાઈઝર માર્ટિને સલાહ આપી હતી. બિઝનેસ અને કોમર્શિયલ મુદ્દે પણ વાત થઈ હતી. ભારતીય અમેરિકન ગ્રૂપના પ્રતિનિધિઓએ દિવાળીની ઉજવણી ચાલુ રાખવા અને ભારતની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે શહેરમાં ખાસ ઉજવણી યોજવા સૂચન કર્યું હતું.

અન્ય પ્રતિનિધિઓમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન્સ ઈન અમેરિકાના પ્રમુખ ગોવિંદ મુંજાલ, ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર વૈષ્ણવ, ભક્તિ સેન્ટર પ્રોગ્રામ કો - ઓર્ડિનેટર કાર્તિકેય પરાશર, સોસાયટી ઓફ ઈન્ડિયન અમેરિકન એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સના પ્રમુખ કેતન શાહ, BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નેશનલ કો - ઓર્ડિનેટર ફોર પબ્લિક અફેર્સ ગિરીશ પટેલ અને ઈન્ડિયા હોમ અને ઈન્ડો - અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યૂયોર્કના પ્રમુખ મુકુંદ મહેતાનો સમાવેશ થતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter