વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ હવે એક દુઃસ્વપ્ન બનતું જઈ રહ્યું છે. ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ H-1B વિઝા પર 3 વર્ષ સુધી પ્રતિબંધ લાગુ કરવા સહિત ઘણા અન્ય આકરા નિયમો સાથેનું એક નવું બિલ સંસદમાં રજૂ કર્યું છે. 7 રિપબ્લિકન સાંસદો દ્વારા કોંગ્રેસમાં રજૂ કરાયેલા H-1B વિઝા એબ્યુઝ બિલ - 2026 (H-1B દુરુપયોગ રોકથામ બિલ-2026)નો હેતુ અમેરિકી કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો અને તેમના માટે નોકરીની વધુ તકો ઊભી કરવાનો છે.
એરિઝોનાના રિપબ્લિકન સાંસદ એલી કેને આ બિલ સંસદમાં રજૂ કર્યું છે. બિલ પર હસ્તાક્ષર કરનારા અન્ય સાંસદોમાં બ્રેન્ડન ગિલ, પોલ ગોસર અને એન્ડી ઓગલ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ બિલની સીધી અસર ભારતીય હિતો પર પડશે.
વિઝા ક્વોટા ઘટીને થશે 25 હજાર
નવા બિલ અનુસાર ત્રણ વર્ષ બાદ જ્યારે H-1B વિઝા ફરી શરૂ થશે, ત્યારે વર્તમાનના 85 હજાર પ્રોફેશનલ્સના વાર્ષિક ક્વોટા ઘટાડીને માત્ર 25 હજાર કરાશે. H-1B વિઝા ફક્ત એવા લોકોને જ મળશે, જેમને અમેરિકી નોકરીદાતા વર્ષે રૂ. 1.86 કરોડનું વેતન આપશે. હાલમાં વિઝા માટે કોઈ ન્યૂનતમ વેતન મર્યાદા નથી.
આ ઉપરાંત વિઝા માટે હાલમાં લાગુ લોટરી સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરાશે. આ સાથે જ કંપનીનો હાયરિંગ વિકલ્પ પણ ખતમ થશે. એટલું જ નહીં, પ્રોફેશનલ્સ માટે તેમના પત્ની અને બાળકોને સાથે લાવવા પર પ્રતિબંધ મૂકાશે. હાલ તેઓ પરિવારને સાથે લાવી શકે છે. તેમજ અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા પણ મળે છે.
‘MAGA’ સમર્થકો દ્વારા વિઝાનો વિરોધ
ટ્રમ્પના કટ્ટરપંથી ‘MAGA' (મેક અમેરિકા ગ્રેટ અગેન) સમર્થકો H-1B વિઝા પદ્ધતિનો આકરો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વિદેશીઓ ખાસ કરીને ભારતથી આવતા પ્રોફેશનલ્સ અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવવું અનિવાર્ય છે, પરંતુ અહીંના અમેરિકી દૂતાવાસોમાં વિઝા રિન્યુઅલ માટેના ઇન્ટરવ્યુ લગભગ બંધ છે. ટ્રમ્પ સરકારે H-1B વિઝાની ફીમાં લગભગ 100 ગણો વધારો કરીને રૂ. 94 લાખ કરી નાંખી છે.


