નવી દિલ્હી: યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો જંગી ટેરિફ નાંખ્યા પછી વિદેશી પ્રોફેશનલ્સ માટેના H-1B વિઝા પરની ફી વધારીને 1 લાખ ડોલર કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીયોને સૌથી મોટો ફટકો પડયો છે, કારણ કે અમેરિકી કંપનીઓમાં કામ કરતા 70 ટકા પ્રોફેશનલ્સ ભારતીય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના પ્રતિબંધોના કારણે ભારતને નુકસાન જવાના બદલે ફાયદો વધુ થવાની શક્યતા છે. ટ્રમ્પે H-1B વિઝા ફીમાં જંગી વધારો કરતા 1700 જેટલી અમેરિકન કંપનીઓ તેમના ઓફશોરિંગ ઓપરેશન્સ માટે ભારત તરફ વળી રહી છે. તે ભારતમાં કાર્યરત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો લાભ ઉઠાવી રહી છે.
ટ્રમ્પ સરકારે આ મહિનાની શરૂઆતમાં એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કરીને વિદેશમાંથી આયાત કરાતા પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ માટેની H-1B વિઝા અરજીઓ પરની ફી 1,500-4,000 ડોલરથી 70 ગણી વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. ટ્રમ્પ સરકારે અમેરિકનોની નોકરીઓ આંચકી લેવાતી હોવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાનો દાવો કરીને H-1B વિઝા ફીમાં વધારો કર્યો હતો.
જોકે, ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે લાભદાયકના બદલે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી)માં તીવ્ર વધારો નોંધાઇ શકે છે. અમેરિકન કંપનીઓ આઇટી પ્રોફેશનલ્સ પાસેથી અમેરિકામાં કામ કરાવવાના બદલે ઓફશોર સ્કેલિંગનો નવો રસ્તો અપનાવી રહી છે. મેકકિન્સે અને એએનએસઆર જેવી કંપનીઓનું માનવું છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં ભારતમાં જીસીસીની સંખ્યામાં 60 ટકાનો વધારો થઈ શકે છે.