H-1B વિઝાઃ એક લાખ ડોલરની ફી એક વર્ષ લંબાવાઈ

Sunday 27th September 2026 12:06 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કર્મચારીઓને H-1B વિઝા હેઠળ નોકરી માટે અમેરિકા લાવતી કંપનીઓ પાસેથી વસૂલ કરવામાં આવનાર 1,00,000 ડોલરની વિઝા ફી વધુ એક વર્ષ માટે લંબાવી છે. ટ્રમ્પે આની જાહેરાત કરતા કહ્યું હતું કે 2025માં H-1B વિઝા માટે 1 લાખ ડોલરની ફી વસૂલવાનો નિર્ણય લીધા પછી મોટી આઈટી આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા H-1B વિઝા માટેનાં રજિસ્ટ્રેશનમાં 92 ટકાનો ઘટાડો થયો છે. ટ્રમ્પે કહ્યું કે 2025માં લાગુ કરવામાં આવેલી 1 લાખ ડોલરની વિઝા ફીને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવતા અમેરિકાનાં આર્થિક અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરી શકાશે. અમેરિકાનાં કર્મચારીઓ અને સ્નાતકોને નોકરી મળી શકશે.
કંપનીઓ દ્વારા ફક્ત સૌથી કુશળ અને જરૂરી વિદેશી કર્મચારીઓની જ ભરતી કરી શકાશે. અમેરિકાનાં H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સ દ્વારા લેવાય છે. જો કે 2025નાં ટ્રમ્પનાં આ નિર્ણયને અમેરિકાની બે જુદી જુદી કોર્ટમાં પડકારવામાં આવેલ છે.
ભારતીયો પર સૌથી વધારે અસર
આ નવા નિયમોની ભારતીય H-1B વિઝા ધારક પ્રોફેશનલ્સ પર વધારે માઠી અસર થશે. કારણ કે આવા H-1B વિઝા મેળવનાર 70 ટકા લોકો ભારતીયો હોય છે. USCIS દ્વારા 2024માં આવી 3,99,402 H-1B વિઝા અરજીઓ મંજૂર કરાઈ હતી. જેમાં મૂળ ભારતીયોનો હિસ્સો 71 ટકા હતો. હાલની વસ્તી ગણતરી મુજબ અમેરિકામાં મૂળ ભારતીયો 52 લાખથી વધારે છે.
અમેરિકાને પણ અસર
નિષ્ણાતોનાં મતે આ નવા નિયમોથી અમેરિકાની ઈકોનોમી સંકોચાશે. અમેરિકાની કંપનીઓમાં આ મુદ્દે હાલ મોટી હલચલ મચી છે. ફક્ત આઈટી જ નહીં પણ આરોગ્ય સેવા, ડોકટર, નર્સ તેમજ અન્ય નાણાકીય સેવા આપતી કંપનીઓને આની ખરાબ અસર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter