વોશિંગ્ટનઃ જો બાઇડેન સરકારે H-1B વિઝાધારકોને મોટી રાહત આપતાં વિઝાધારકના જીવનસાથી અને સંતાનોને કામ કરવાની ઓટોમેટિક મંજૂરીની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા હેઠળ લગભગ એક લાખ જેટલા H-1Bધારક ભારતીય પરિવારોને કામ કરવાની અનુમતી મળશે. આ તમામ લોકો ખાસ શ્રેણી H-1B વિઝાધારકોના વૈવાહિક સાથી અને બાળકો છે. રવિવારે વ્હાઈટ હાઉસમાં લાંબી વાટાઘાટો બાદ જાહેર કરાયેલા નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ હેઠળ H-1B વિઝાધારકોના લગભગ અઢી લાખ જેટલા સંતાનોને રાહત અપાઇ છે. આ જોગવાઈથી ભારતીયોને ખૂબ મોટો લાભ થશે.
વધારાના 18 હજાર ગ્રીનકાર્ડ
આ ઘટનાક્રમ સાથે સાથે જ ભારતીય અમેરિકન ઇમિગ્રન્ટ્સને ઇમિગ્રેશન રિફોર્મ બિલનો પણ ફાયદો મળશે. આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે વધારાના 18 હજાર રોજગાર ગ્રીનકાર્ડ ઇશ્યૂ કરાશે. H-1B વિઝાધરકના વૈવાહિક સાથીદાર અને બાળકોને H-4 વિઝા અપાય છે. કાયદેસર રીતે અમેરિકા આવીને કામ કરનારા માતાપિતાના બાળકોને 21 વર્ષ કરતાં વધુ વય થયા બાદ એજ્ડ આઉટ માનવામાં આવે છે. નવી જોગવાઈ હેઠળ આ બાળકો 21 વર્ષના થયાં પહેલાં આઠ વર્ષથી અમેરિકામાં વસવાટ કરે છે એટલે કે એચ4 વિઝાધારક બનેલા છે તો તેને કામચલાઉ ધોરણે અમેરિકામાં વસવાટ કરવાની અને કામ કરવાની મંજૂરી મળી જશે.