વોશિંગ્ટનઃ અમેરિકાની ટેકનોલોજી કંપનીઓમાં જ્યારે છટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે યુએસની એક કોર્ટ દ્વારા યુએસમાં H-1B વિઝા હેઠળ કામ કરતા વિઝાધારકના જીવનસાથી એટલે કે પતિ કે પત્નીને જોબ કરવા મંજૂરી અપાઇ છે. અમેરિકાની કોર્ટના આ દૂરોગામી ચુકાદાથી ભારતીય પ્રોફેશનલ્સને લાભ થશે. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં જજ તાન્યા ચૂટકને ‘સેવ જોબ્સ ઈન યુએસએ’ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી છે. તેમણે H-1B વિઝાની કેટલીક કેટેગરીમાં H-1B વિઝાધારકનાં જીવનસાથીને રોજગારી માટેનું જોબ કાર્ડ આપવા મંજૂરી આપી છે. ‘સેવ જોબ્સ ઈન યુએસએ’ દ્વારા ઓબામા સરકાર વખતે દાખલ કરવામાં આવેલા નિયમને કોર્ટમાં પડકાર્યો હતો જેને જજ ચૂટકન દ્વારા ફગાવાયો હતો.
એક લાખ જીવનસાથીને જોબ
યુએસની જાણીતી ટેકનોલોજી કંપનીઓ એમેઝોન, એપલ, ગૂગલ તેમજ માઈક્રોસોફ્ટ દ્વારા આ કેસનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં અત્યાર સુધીમાં H-1B વિઝાધારકોનાં 1 લાખ જેટલા જીવનસાથીને જોબ કાર્ડ આપવામાં આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે.