વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે આ વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની કંપનીમાં પાછા આવી શકે છે. સંબંધિત વ્યક્તિના બાળકો અને પત્નીને પણ પ્રાથમિક વિઝા સાથે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી અપાશે. વિદેશ મંત્રાલયે જારી કરેલી એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે ટેક્નિકલ સ્પેશ્યલિસ્ટ, સિનિયર લેવલ મેનેજર અને આવશ્યક સેવાઓને લીધે અસરગ્રસ્ત લોકોને અમેરિકા આવવાની મંજૂરી અપાઈ છે. આમાં આરોગ્ય સેવાઓથી સંબંધિત લોકો, સંશોધનકારો પણ શામેલ છે. એવું કહેવાય છે કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B ધારકોને આ વર્ષના અંત સુધીમાં અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોરોના મહામારીને કારણે લેવાયો હતો. એક અહેવાલ મુજબ અમેરિકામાં ગયા વર્ષે નવેમ્બર સુધીમાં ૫ લાખ ૮૩ હજાર ૪૨૦ H-1B વિઝા ધારકો હતા.