H-1B વિઝાધારકોના પાર્ટનર ડિપેન્ડેન્ટ પાછા યુએસ જઇ શકશે

Wednesday 22nd July 2020 07:41 EDT
 

નવી દિલ્હી: ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિસેમ્બર સુધી વર્ક વિઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો પછી વધુ એક સ્પષ્ટતા કરી છે. કોરોનાના કારણે ભારતમાં ફસાઈ ગયેલા H-1B વિઝાધારકોના પાર્ટનર, ડિપેન્ડેન્ટને ચોક્કસ સમયે અમેરિકા પરત જવાની મંજૂરી મળશે. કોરોનાને પગલે ૨૨મી જૂને નોન-ઈમિગ્રન્ટ વિઝા રદ કરાયા હતા, પરંતુ નવા નિયમોમાં આ પ્રકારમાં આવતા લોકોને બાકાત રખાયા છે.
પ્રતિબંધિત વિઝાની યાદી બહાર પડશે
જૂના નિયમ પ્રમાણે, ૨૪મી જૂન, ૨૦૨૦ સુધી H-1B, H4, J1 અને H2A વિઝા મેળવનારા ભારતીયો ૩૧મી ડિસેમ્બર સુધી અમેરિકા પરત નહીં જઈ શકે. જોકે, આ વિઝાધારકો ભારતમાં અમેરિકન દૂતાવાસ ખૂલે પછી અરજી કરી શકે છે. આ પછી નવા નિયમો જાહેર કરાયા પછી પણ તમામ H-1B વિઝાધારકોને પાછા જવાની મંજૂરી નહીં અપાય. યુએસ સરકાર દ્વારા પ્રતિબંધિત વિઝાની યાદી બહાર પડાશે. જેમાં કોવિડ-19 મહામારીમાં જરૂરી હોય એવા ચોક્કસ પ્રકારના H અને J વિઝાધારકોને પ્રતિબંધની યાદીમાંથી બાકાત રાખી શકાય છે.
૧૭૪ ભારતીયો દ્વારા કોર્ટમાં પડકાર
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦ના બાકી રહેલા વર્ષ માટે એચ-વનબી વિઝા જારી કરવા પર રોકના કારણે યુએસમાં પ્રવેશ અટકાવતાં ટ્રમ્પના આદેશને સાત સગીર સહિત ૧૭૪ ભારતીય નાગરિકોએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર ફેંક્યો હોવાના અહેવાલ હતા. ૨૨મી જૂને જાહેરનામામાં ટ્રમ્પે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી H-1B વિઝા હંગામી ધોરણે સ્થગિત કર્યા હતા. જજ કેતનજી બ્રાઉન જેકસને ૧૫મી જુલાઈએ અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો, હોમલેન્ડ સિક્યુરિટીના એક્ટિંગ સેક્રેટરી ચાડ એફ વુલ્ફ અને લેબર સેક્રેટરી યુજિન સ્કાલિયાને આ અંગે સમન્સ પાઠવ્યાં હતાં.
ભારતીયોએ અરજીમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકાર દ્વારા H-1B અને H4 વિઝા પર લાગુ કરાયેલું જાહેરનામું અમેરિકી અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. પરિવારોને અલગ કરી દે છે અને અમેરિકી સંસદનું પણ ઉલ્લંઘન કરે છે. લોયર વાસડેન બાનિયાસે ભારતીયો વતીની અરજીમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારનો નિર્ણય ગેરકાયદે છે. કોર્ટ ટ્રમ્પ સરકારે H-1B અને H4 વિઝા જારી કરવા પર લદાયેલાં નિયંત્રણોને ગેરકાયદે જાહેર કરે. ભારતીયોએ અરજીમાં માગ કરી હતી કે, કોર્ટ વિદેશ મંત્રાલયને H-1B અને H4 વિઝાની પડતર અરજીઓ પરના નિર્ણયો જારી કરવાનો આદેશ આપે.
ભારતીયોની અરજી પર પહેલો અહેવાલ પ્રસિદ્ધ કરનાર ફોર્બ્સે જણાવ્યું હતું કે, ફરિયાદમાં જણાવાયું હતું કે, અમેરિકી સંસદે ચોક્કસ નિયમો બનાવ્યા છે જેમાં એચ-વનબી વિઝાધારકો અમેરિકામાં કામ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter