ન્યૂ યોર્ક: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નિયમો આકરા કરીને ભારતીય પ્રોફેશનલ્સને મોટો ફટકો પહોંચાડયો છે. આવા સમયે જ અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતમાં જન્મેલા તેમના અધિકારીઓને ટોચના પદો પર પ્રમોશન આપ્યું છે. આ કંપનીઓએ આ રીતે ટ્રમ્પ સરકારને સંદેશો આપ્યો છે કે પર્ફોર્મન્સની બાબતમાં અમેરિકન કંપનીઓ કોઈપણ રીતે બીનજરૂરી દબાણ નહીં સ્વીકારે. 55 વર્ષના ભારતીય મૂળના ટેલેન્ટ શ્રીનિવાસ ગોપાલન 1 નવેમ્બરથી અમેરિકન ટેલિકોમ કંપની ટી-મોબાઈલનું સીઈઓ પદ સંભાળશે. આઈઆઈએમ-અમદાવાદમાં ભણેલા ગોપાલન હાલમાં ટી-મોબાઈલના સીઓઓ તરીકે કામ કરે છે. આ સિવાય શિકાગો સ્થિત પેય પદાર્થ બનાવતી અગ્રણી કંપની મોલ્સન કૂર્સે 49 વર્ષીય રાહુલ ગોયલને પહેલી ઓક્ટોબરથી તેમના નવા ચેરમેન અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ગોયલ 24 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. ભારતમાં જન્મેલા ગોયલે મૈસૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
વિદેશી વિદ્યાર્થીઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું
એચ-1બી વિઝાની ફીમાં તોતિંગ વધારાનો કોરડો વિંઝ્યા બાદ ટ્રમ્પ સરકારે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પના અધિકારીઓએ હવે અમેરિકામાં અભ્યાસ કરતાં અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ (ઓપીટી) હેઠળ કામ કરતાં - ખાસ કરીને સ્ટેમ ઓપીટીમાં અભ્યાસ કરતાં - વિદેશી વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરવા વિદ્યાર્થીઓના ઘરે જઈ જઈને ચકાસણી શરૂ કરી છે. જેના પગલે વિદેશી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચાટની લાગણી પ્રવર્તી રહી છે. તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, 2023-24માં અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3.3 લાખ જેટલી હતી. જેમાંથી આશરે 97,556 વિદ્યાર્થીઓ ઓપીટી પ્રોગ્રામમાં સામેલ છે.