વોશિંગ્ટન: અમેરિકાની બાઈડેન સરકારે H1-B વિઝામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં લાયકાત સંબંધી જોગવાઇ, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે કામ કરતા લોકો માટે વધુ ફ્લેક્સિબિલિટીનો સમાવેશ થાય છે. ઉપરાંત, પ્રસ્તાવિત ફેરફારમાં નોન-ઇમિગ્રન્ટ કામદારો માટે વધુ સારો માહોલ નિશ્ચિત કરવાની વાત પણ સામેલ છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા ફેડરલ રજિસ્ટરમાં 23 ઓક્ટોબરે પ્રકાશિત થનારા નિયમોમાં અમેરિકા દ્વારા દર વર્ષે ઇશ્યૂ કરાતા ૬૦,૦૦૦ વિઝાની મર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના જણાવ્યા અનુસાર નિયમોમાં પ્રસ્તાવિત ફેરફારનો હેતુ કંપની માલિકો અને કામદારોને વધુ લાભ પૂરા પાડવા સહિતના પગલાં લાગુ કરવાનો છે.
H1-B વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓને બિઝનેસ જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓની ભરતીમાં મદદ કરે છે. હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘બાઈડેન સરકારની પ્રાથમિકતા વૈશ્વિક ટેલેન્ટને આકર્ષવાની, કંપનીઓ પરનો બિનજરૂરી બોજ ઘટાડવાની તેમજ ઇમિગ્રેશન સિસ્ટમમાં ફ્રોડ અને દુરુપયોગ અટકાવવાની છે.’ H1-B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓને કામચલાઉ ધોરણે વિશિષ્ટ પ્રકારના વ્યવસાય માટે વિદેશી કામદારોને રોજગારી આપવામાં મદદ કરે છે ત્યારે ડીએચએસે જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત નિયમ USCIS દ્વારા હાથ ધરવામાં આવતી H1-B રજિસ્ટ્રેશનની પસંદગી પ્રક્રિયામાં દુરુપયોગ અને ફ્રોડની શક્યતા ઘટાડશે.