US ના ઉટાહની સેનેટમાં દિવાળીએ આતશબાજીની છૂટનું બિલ પસાર

Wednesday 15th February 2023 05:07 EST
 

ન્યૂ યોર્કઃ યુનાઈટેડ સ્ટેટ્સના ઉટાહ સ્ટેટની સેનેટ દ્વારા દિવાળીમાં ફટાકડા- આતશબાજીને પરવાનગી આપતું બિલ પસાર કર્યું છે. આ બિલમાં દિવાળીના પાંચ દિવસના ગાળાને ઉત્સવનો સમય ગણાવી ભારતના પ્રકાશના પર્વ દરમિયાન ફાયરવર્ક્સના વેચાણ અને ફોડી શકાય તેને મંજૂરી અપાઈ છે. દર વર્ષે દિવાળીનો ઉત્સવ ઓક્ટોબરના આખરના દિવસોથી નવેમ્બરના આરંભ સુધીમાં ઉજવાય છે. સાઉથ જોર્ડનના સેનેટર લિંકન ફિલમોરે દાખલ કરેલા સેનેટ બિલ 46ને ગત સપ્તાહે સર્વાનુમતે પસાર કરાયું હતું. ટુંક સમયમાં તેનું ત્રીજુ વાંચન કરાશે.

સેનેટર લિંકન ફિલમોરે જણાવ્યું હતું કે ‘હેરિમાનમાં તેમના એક મતદારે તેમનો સંપર્ક કર્યો હતો અને આ બિલ બાબતે વિચાર આપ્યો હતો. આ બિલ હાઉસ ઓફ રિપ્રેન્ઝન્ટેટિવ્ઝ સમક્ષ જાય તે પહેલા તેના પર વધુ એક મત લેવાશે. સેનેટરે કહ્યું હતું કે હું ઉટાહની ભારતીય કોમ્યુનિટીની પ્રશંસા કરું છું. સાથી અને પડોશની કોમ્યુનિટીઓ સાથે મળી ઈવેન્ટ્સની ઉજવણીના તેમના સહકારી પ્રયાસો તેમજ હિન્દુઈઝમ, જૈનિઝમ અને શિખીઝમ વિશે શિક્ષણ-જાગૃતિ વધારવાના તેમના પ્રયાસોએ આપણા રાજ્યમાં બહેતર સમજણની સ્થિતિ સર્જવામાં મદદ કરી છે.’

વ્હાઈટ હાઉસમાં સૌપ્રથમ 2002માં દિવાળીની ઉજવણી કરાઈ હતી અને યુએસ સરકારે 2007માં ઉત્સવને સત્તાવાર માન્યતા આપી હતી. યુનાઈટેડ સ્ટેટ્સના દિવાળીને ફેડરલ હોલીડે જાહેર કરતો ધ દિવાલી ડે એક્ટ 2021માં દાખલ કરાયો હતો. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter