USમાં થેરાનોસના રમેશ બલવાની ફ્રોડ માટે દોષી, 20 વર્ષની કેદ શક્ય

બ્લડ ટેસ્ટની લોભામણી જાહેરાતોથી ડોક્ટરો અને દર્દીઓને મૂર્ખ બનાવવાના આરોપ પુરવાર

Wednesday 13th July 2022 02:43 EDT
 
 

સાનફ્રાન્સિસ્કોઃ અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકન એવા રમેશ ‘સની’બલવાનીને રોકાણકારો અને દર્દીઓ સાથે છેતરપિંડી કરવાના આરોપોસર દોષી ઠેરવવામાં આવ્યા છે. બલવાનીની સામે વાયરફ્રોડના 10 અને વાયરફ્રોડનું કાવતરૂં ઘડવાના બે આરોપ મૂકાયા હતા. 3 મહિનાની સુનાવણી બાદ જ્યુરીએ તેમને તમામ 12 આરોપ માટે દોષી ઠેરવ્યા છે. એલિઝાબેથ હોમ્સ અને રમેશ બલવાનીને આ માટે 20 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે. હોમ્સને સજાની સુનાવણી સપ્ટેમ્બરમાં કરાશે જ્યારે બલવાનીની સજાની સુનાવણીની તારીખ હવે પછી નક્કી કરાશે.

હેલ્થકેર કંપની થેરાનોસના સ્થાપક અને સીઇઓ એલિઝાબેથ હોમ્સના ગુપ્ત બોયફ્રેન્ડ એવા બલવાની ચુકાદો વાંચી સંભળાવાયો ત્યારે ચૂપચાપ બેસી રહ્યા હતા. રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપમાં હોમ્સને પહેલા જ દોષી ઠેરવાયાં છે. હોમ્સે 2003માં થેરાનોસની સ્થાપના કરી હતી. એક સમયે આ કંપની માર્કેટ કેપ 9 બિલિયન ડોલર કરતાં વધુ હતી. 2015માં વોલ સ્ટ્રીટ જનરલે થેરાનોસની ટેકનોલોજીમાં રહેલી મોટી સમસ્યાઓનો ખુલાસો કર્યો હતો. 2018માં હોમ્સ અને બલવાનીની સામે છએતરપિંડીના આરોપ ઘડાયા હતા.

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર હોમ્સ અને બલવાની આકર્ષક જાહેરાતો દ્વારા ડોક્ટરો અને દર્દીઓને થેરાનોસની બ્લડ ટેસ્ટિંગ લેબોરેટરી સેવાઓનો ઉપયોગ કરવા લલચાવતા હતા. સરકારના જણાવ્યા અનુસાર બંને સારી રીતે જાણતા હતા કે થેરાનોસ ચોક્કસ બ્લડ ટેસ્ટ માટેની ક્ષમતાઓ ધરાવતી નથી. થેરાનોસ ખાતે થતા ટેસ્ટના રિઝલ્ટ અચોક્કસ અને આધાર રાખી ન શકાય તેવા હતાં. હોમ્સ અને બલવાની ખોટા દાવાઓ દ્વારા ડોક્ટરો અને દર્દીઓની સાથે છેતરપિંડી કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter