USમાં સાઉથ એશિયન્સ ફોર અમેરિકાની રચના

Wednesday 28th April 2021 06:48 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં સાઉથ એશિયન સમુદાયની મતાધિકાર શક્તિને વધતી જતી માન્યતા વચ્ચે સાઉથ એશિયન ડાયસ્પોરા કોમ્યુનિટીની રાજકીય તાકાતને વધારવા માટે નોન પ્રોફિટ 'સાઉથ એશિયન્સ ફોર અમેરિકા' (SAFA)ની રચનાની સાઉથ એશિયન્સ ફોર બાઈડેનના અગ્રણીઓએ ૧૯ એપ્રિલે જાહેરાત કરી હતી. SAFAનું લક્ષ્ય અમેરિકામાં સ્થાનિક, રાજ્ય અને સંઘીય સ્તરે સાઉથ એશિયન ડેમોક્રેટિક કોમ્યુનિટીને માહિતગાર કરવાનું, તેને સમર્થન આપવાનું, તેને સાંકળવાનું અને ગતિ આપવાનું છે.

સંસ્થાનો હેતુ નાગરિકોનું જોડાણ વધારવાનો, રાજકારણમાં વધુ ભાગ લેવાનો, અને સાઉથ એશિયન્સનું નેટવર્ક વધારવાનો છે. અનોખા અને વૈવિધ્યપૂર્ણ વોટિંગ બ્લોક પર વધુ ધ્યાન આપનારી SAFA આ પ્રકારની પ્રથમ સંસ્થા છે. તેમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, શ્રી લંકા, નેપાળ, ભૂતાન અને માલદીવ્સની વિરાસત ધરાવતી વિવિધ ધર્મ પરંપરા, વિવિધ ભાષાઓની ડાયસ્પોરા કોમ્યુનિટીઝ સામેલ છે.

સાઉથ એશિયન્સ ફોર બાઈડેનના નેશનલ ડિરેક્ટર અને SAFAના વડા નેહા દેવને એક નિવેદનમાં જણાવ્યું કે સાઉથ એશિયન્સ ફોર અમેરિકાના આરંભની જાહેરાત કરતા મને ખૂબ આનંદ થાય છે. ૨૦૨૦ની ચૂંટણીએ માત્ર ચૂંટણી વખતે જ નહીં પરંતુ, કાયમી ધોરણે સાઉથ એશિયનોને સમર્પિત હોય તેવી એક સંસ્થાની જરૂર હોવાનું જણાયું હતું.

અગાઉ સાઉથ એશિયન્સ ફોર બાઈડેનનું નેતૃત્વ કરી ચૂકેલા હરિણી કૃષ્ણને જણાવ્યું કે રાજકારણ અને નાગરિકતોને લગતી સુવિધાઓમાં જોડાવામાં સાઉથ એશિયનોના ઉત્સાહમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે SAFA સંસાધનો અને ટ્રેનિંગ પણ પૂરી પાડશે અને ડેમોક્રેટ્સ તેમના વિજય માટે જેમના મત પર આધાર રાખી શકે તેવા વોટિંગ બ્લોકમાં સાઉથ એશિયન્સનું સ્થાન રહે તેવા પ્રયાસો સુનિશ્ચિત કરશે.

SAFA આગામી ૬ મેએ લોંચ ઈવેન્ટનું આયોજન કરશે, તેમાં ગોલ્ડ સ્ટાર પેરન્ટ ખીઝર ખાન, આદરણીય એટર્ની નીલ કાત્યાલ, ગર્લ્સ હુ કોડના ફાઉન્ડર અને સીઈઓ રેશ્મા સૌજાણી, એક્ટર અને સિંગર એરિયાના અફ્સર સહિત જાણીતી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

SAFAમાં રાજકીય સંપર્કો અને સમર્થન, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝિંગ કેમ્પેઈન્સ, ઉમેદવારની નિમણુંક, વ્યૂહાત્મક ભાગીદારી અને યુવકોને સામેલ કરવા પર વિશેષ ધ્યાન આપતી વર્કિંગ કમિટીઓનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter