USમાં ૧૦ વર્ષમાં એશિયન અમેરિકન વસ્તીમાં ૮૧ ટકાનો વધારોઃ Pew રિપોર્ટ

Wednesday 28th April 2021 06:19 EDT
 

સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકામાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૯ વચ્ચે તમામ જાતિ અને વંશીય જૂથોમાં એશિયન અમેરિકનોના વસ્તી દરમાં સૌથી ઝડપી વધારો નોંધાયો હોવાનું Pew રિસર્ચ સેન્ટરે ૯ એપ્રિલે બહાર પાડેલા નવા રિપોર્ટમાં જણાવાયું હતું. અમેરિકામાં આ ગાળામાં એશિયનોની વસ્તીમાં ૮૧ ટકાનો વધારો નોંધાયો હતો. અગાઉ તે સંખ્યા અંદાજે ૧૦.૫ મિલિયન હતી જે વધીને વિક્રમજનક ૧૮.૯ મિલિયન પર પહોંચી હોવાનું યુએસ સેન્સસ બ્યુરોના વસ્તી અંદાજના રિસર્ચ સેન્ટરે કરેલા વિશ્લેષણમાં જણાયું હતું.
૨૦૨૦ની વસ્તીના આંકડા બહાર પડે તે અગાઉનો આ છેલ્લો અંદાજ હતો. રિસર્ચ સેન્ટરે તેના નવા રિપોર્ટમાં ઉમેર્યું હતું કે ૨૦૬૦ સુધીમાં અમેરિકન એશિયન્સની વસ્તી વધીને ૩૫.૮ મિલિયન થવાનો અંદાજ છે, જે ૨૦૦૦ની વસ્તી કરતાં ત્રણ ગણી હશે. ૨૦૦૦ થી ૨૦૧૯ સુધીમાં વસ્તીમાં બીજો સૌથી વધુ ઝડપી વધારો હિસ્પેનિક્સમાં જોવાયો હતો. તે પછી નેટીવ હવાઈયન્સ અને પેસિફિક આઈલેન્ડર્સમાં અનુક્રમે ૭૦ ટકા અને ૬૧ ટકા નોંધાયો હતો. દેશમાં અશ્વેતોની વસ્તીમાં પણ આ સમયગાળા દરમિયાન વધારો નોંધાયો હતો. જોકે, તે ૨૦ ટકાના દર કરતા ઓછો હતો. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી એશિયન અમેરિકન સામે રંગભેદ અને હિંસાની ઘટનાના અહેવાલો વચ્ચે અમેરિકામાં એશિયન અમેરિકનોની વસ્તીમાં વધારો નોંધાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.
Pew રિસર્ચ સેન્ટરનો આ સર્વે ૨૦૨૧માં માર્ચની શરૂઆતમાં કરાયો હતો. ૧૬મી માર્ચે એટલાન્ટા નજીક ગોળીબારની ઘટના બની હતી જેમાં છ એશિયન મહિલાઓ અને બે અન્ય પુરુષો માર્યા ગયા હતા. એશિયન અમેરિકન્સ પૈકી ૮૭ ટકા લોકોનું કહેવું છે કે કોવિડ મહામારી શરૂ થઈ ત્યારથી તેમને નામોશી અથવા મશ્કરીનો ભોગ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ૨૬ ટકાએ જણાવ્યું કે તેમની જાતિ અથવા વંશીયતાને લીધે કોઈક તેમને ધમકી આપશે અથવા તો તેમના પર હુમલો કરશે તેવો તેમને ભય લાગે છે. અહેવાલ મુજબ બંને સર્વેમાં એશિયન વયસ્કોનો ઇન્ટરવ્યૂ માત્ર ઇંગ્લિશ ભાષામાં જ લેવાયો હતો. ૨૦૧૯માં કેલિફોર્નિયામાં એશિયનોની વસ્તી અંદાજે ૫.૯ મિલિયન હતી જે સૌથી વધુ હતી. તે પછી ન્યૂયોર્કમાં ૧.૭ મિલિયન, ટેક્સાસમાં ૧.૫ મિલિયન, ન્યૂજર્સી ૮૭૦,૦૦૦, ઇલિનોઇસ ૭૩૨,૦૦૦ છે. અમેરિકી એશિયનોની મોટાભાગની એટલે કે ૫૬ ટકા વસ્તી આ પાંચ રાજ્યોમાં રહેતી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. જોકે, એશિયન અમેરિકનોની વસ્તીના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ દરમિયાન તેમાં વાર્ષિક સરેરાશ ૩.૯ ટકાનો વધારો થયો હતો. જોકે, ૨૦૦૫ અને ૨૦૧૦ દરમિયાન તેમાં વાર્ષિક સરેરાશ ૩.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter