£૧.૩૦ મિલિયનની ઠગાઈમાં ભારતીય મૂળના એક્ઝિક્યુટિવને બે વર્ષની જેલ

Wednesday 01st September 2021 07:26 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કાર્યરત અને વોશિંગ્ટન સ્ટેટના ક્લાઇડ હિલ કાઉન્ટીમાં રહેતાં ભારતીય મૂળના ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતા ૪૮ વર્ષીય  એક્ઝિક્યુટિવ મુકુંદ મોહનને કોવિડ મહામારીના બહાને નકલી ડોક્યુમેન્ટ્સ દ્વારા સરકાર પાસેથી ૧.૩૦ મિલિયન પાઉન્ડ (૧.૮ મિલિયન ડોલર)ની રાહત લોનનું કૌભાંડ આચરવા બદલ વોશિંગ્ટનની લોકલ કોર્ટે બે વર્ષની જેલની સજા કરી હતી.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયું હતું કે તેને ગત ૧૫ માર્ચે કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપસર દોષી જાહેર કરાયો હતો.  
અગાઉ માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં કામ કરી ચૂકેલા મોહને તેની બોગસ કંપની માટે અમેરિકાની સરકાર દ્વારા જાહેર કરાયેલા પે પ્રોટેક્શન પ્રોગ્રામ અંતર્ગત કૌભાંડ આચરીને રાહત દરે લોન લેવા પોતાની કંપનીના કર્મચારીઓના ખોટા દસ્તાવેજો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા.
ગત જુલાઇ મહિનામાં પોલીસે તેની ધરપકડ કરી તે પહેલાં તેણે પોતાની બોગસ કંપની માટે સરકાર પાસે ૫૫ લાખ ડોલરની લોન માટે આઠ અરજી કરી હતી જેના માટે તેણે તમામ દસ્તાવેજ નકલી અને ખોટી રીતે તૈયાર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter