વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક અને પ્રેસિડન્ટ ટ્રમ્પ વચ્ચે ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર શરૂ થયેલો જંગ મામલે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. મસ્કે બુધવારે સવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘ગયા અઠવાડિયે પ્રેસિડન્ટ વિશેની મારી કેટલીક પોસ્ટનો મને અફસોસ છે.’ તેમની પોસ્ટ 6 જૂને ટ્રમ્પ પર લગાવાયેલા આરોપોના 6 દિવસ પછી આવી હતી. મસ્કના આ અફસોસને રાજકીય સમીકરણોને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
મસ્કની કંપનીઓને 2023માં 17 ફેડરલ એજન્સીઓ પાસેથી 3 બિલિયન ડોલરનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો અને ટ્રમ્પે તાજેતરમાં તેને સમાપ્ત કરવાની ચેતવણી આપી હતી. મસ્કે 2024ની ચૂંટણીમાં ટ્રમ્પના સમર્થનમાં લગભગ રૂ. 2,296.25 કરોડ ખર્ચ્યા હતા અને ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી સરકારી ખર્ચ ઘટાડવા માટે મસ્કને ડોજી ટીમના વડા બનાવાયા હતા. એપસ્ટિન ફાઇલ જાહેર ન કરવા બદલ મસ્કે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં પોસ્ટ ડિલીટ કરી દીધી.
હવે બંનેનો સ્વર બદલાતો દેખાય છે. મસ્કે લોસ એન્જલસના વિરોધ પ્રદર્શનો પર ટ્રમ્પના નિવેદનો શેર કર્યા અને ટ્રુથ સોશિયલ પરના તેમના એક વીડિયો પર હૃદયના ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી. ટ્રમ્પે સોમવારે પત્રકારોને એમ પણ કહ્યું કે હું મસ્કને શુભકામનાઓ પાઠવું છું. અમારા વચ્ચે સારા સંબંધો રહ્યા છે.