નવી દિલ્હી: કેનેડામાં જેની ધરપકડ થઈ હતી તે ખાલિસ્તાની આતંકવાદી ઇન્દરજીતસિંહ ગોસલ જેલ બહાર આવી ચૂક્યો છે અને જેલ બહાર આવતાં જ ભારત માટે ધમકી ઉચ્ચારી છે. તેણે ધમકી આપતો વીડિયો જારી કરીને કહ્યું કે, ‘ભારત, હું બહાર આવી ગયો છું. ગુરુપતવંતસિંહ પન્નૂને સમર્થન આપવા અને 23 નવેમ્બર 2025ના રોજ ખાલિસ્તા-રેફરન્ડમનું આયોજન કરવા માટે. દિલ્હી ખાલિસ્તાન બનશે.’ ગત 19 સપ્ટેમ્બરના રોજ હથિયારો સાથે સંકળાયેલા અપરાધમાં ગોસલ અને અન્ય બેની ધરપકડ થઈ હતી.
બીજી તરફ, શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નૂએ પણ રાષ્ટ્રીય સુરક્ષ સલાહકાર અજિત દોવલને ચેતવણી આપી છે. અહેવાલ મુજબ પન્નૂએ કહ્યું છે કે, 'અજિત દોવલ, તમે કેનેડા, અમેરિકા કે કોઇક યુરોપીય દેશમાં જઈને ધરપકડ અને પ્રત્યાર્પણના પ્રયાસ શા માટે નથી કરી રહ્યા? દોવલ, હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો છું.’ એનઆઈએ પન્નૂ વિરુદ્ધ એક કેસ દાખલ કરી ચૂકી છે. પન્નૂ પર આ વર્ષે સ્વતંત્રતા પર્વે વડાપ્રધાન મોદીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા રોકવા ઈનામની જાહેરાત કર્યાનો તેમ જ શીખોમાં ભારત વિરુદ્ધ અસંતોષ ફેલાવવાના આરોપ છે.


