ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી આધુનિક શહેરોમાં એક ન્યૂ યોર્ક શહેર હાલમાં કુદરત સામે લાચાર થઇ ગયું હતું. અહીં 29 સપ્ટેમ્બરે 3 કલાકમાં એક મહિનાનો વરસાદ વરસ્યો હતો. તોફાની વરસાદે ન્યૂ યોર્કને જળબંબાકાર કરી નાંખ્યું હતું. ચારેતરફ પાણી ભરાવાના કારણે અંડરગ્રાઉન્ડ ટ્રેન પર અસર થઇ હતી. કેટલાક વિસ્તારોમાં તો મેટ્રો બંધ કરવાની ફરજ પડી હતી. લાગાર્ડિયા એરપોર્ટ પર ટર્મિનલને કેટલાક કલાકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. જ્હોન એફ. કેનેડી એરપોર્ટ વિસ્તારમાં થોડા કલાકોમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. લોકો ઘરોમાં અને પોતાના વાહનોમાં ફસાઇ ગયા હતા. બ્રુકલીનના કેટલાક ભાગોમાં તો કેટલાક કલાકોમાં જ સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.