અભિનેત્રી રંભાને કેનેડામાં અકસ્માત, પુત્રી ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ

Thursday 10th November 2022 07:38 EST
 
 

‘જુડવા’ અને ‘ઘરવાલી બહારવાલી’ જેવી ફિલ્મોથી જાણીતી અભિનેત્રી રંભાને કેનેડામાં કાર અકસ્માત નડયો છે. આ અકસ્માતમાં રંભા તો ઉગરી ગઈ છે, પરંતુ તેની દીકરીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રંભા તેના સંતાનો તથા મેઇડ સાથે કેનેડાના ઓન્ટારિયો સ્થિત ઘરે પાછી જઈ રહી હતી ત્યારે અન્ય એક કારે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તમામને નાની મોટી ઈજા થઈ હતી. જોકે, રંભાના જણાવ્યા અનુસાર તેને પોતાને ખાસ વાગ્યું નથી, પરંતુ દીકરી સાશાને ગંભીર ઈજાઓ થઈ છે આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
રંભાએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ પર રહેલી સાશા તથા અકસ્માતમાં નુકસાન પામેલી કારના ફોટા શેર કર્યા હતા. તે પછી બોલીવૂડ અને સાઉથના કલાકારો સહિત અનેક ચાહકોએ તેની દીકરી ઝડપભેર સ્વસ્થ થાય તેવી કામના વ્યક્ત કરી હતી. રંભાએ 1995માં બોલિવૂડમાં ‘જલ્લાદ’ ફિલ્મથી કેરિયર શરૂ કરી હતી. જોકે, તેને બોલિવૂડ કરતાં સાઉથમાં વધારે સફળતા મળી હતી. 2010માં તેણે બિઝનેસમેન ઈન્દ્રકુમાર પદ્મનાભન્ સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યાર પછી તે કેનેડામાં સ્થાયી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter