અમિત ભારદ્વાજે ઈનસાઈડર ટ્રેડિંગના કાવતરા સહિત 13 ગૂના કબૂલ્યા

Friday 14th April 2023 12:40 EDT
 
 

સાન રામોન (કેલિફોર્નિયા)ઃ ભારતીય અમેરિકન અમિત ભારદ્વાજે ઈનસાઈડર ટ્રેડિંગના 13 ગૂના કબૂલી લીધા છે. લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સ ખાતે 49 વર્ષીય પૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અમિત ભારદ્વાજની જુલાઈ 2022માં ધરપકડ થઈ હતી અને તેની સામે ઈનસાઈડર ટ્રેડિંગના કાવતરામાં ભાગ લેવા સહિતના આરોપ લગાવાયા હતા. ભારદ્વાજને 11 જુલાઈએ સજા સંભળાવાશે.
અમિત ભારદ્વાજે લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સના એક્વિઝિશન ટાર્ગેટ્સ બાબતે નફો મેળવવા ખુદ ગુપ્ત MNPI માં વેપાર કર્યો હતો અને તેના સાથીદારોને તેની માહિતી પણ પૂરી પાડી હતી. યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે કહ્યું હતું કે ભારદ્વાજે તેની કંપની અને સિક્યોરિટીઝ માર્કેટ્સ સાથે છેતરપિંડી કરી હતી એટલું જ નહિ, તેણે સમક્ષ પોતાની ગેરકાયદે વર્તણૂકને છુપાવવા અને તપાસમાં અવરોધ પેદા કરવાની યોજના ઘડી હતી.
અમિત ભારદ્વાજને સિક્યોરિટીઝ ફ્રોડના સાત ગુના તેમજ વાયર ફ્રોડના બે ગુના બદલ દરેક ગુનાના મહત્તમ 20 વર્ષની જેલ તેમજ અને સિક્યોરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડના કાવતરાના ચાર ગુના માટે 20 વર્ષ સહિત તેને કુલ 200 વર્ષની સજા થઈ શકે છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર ભારદ્વાજને તેની કંપની લ્યૂમેન્ટમ હોલ્ડિંગ્સ ડિસેમ્બર 2020માં કોહેરન્ટ ઈન્ક.ને હસ્તગત કરવા વિચારી રહી હોવાની જાણ થઈ હતી. આ પછી તેણે કોહેરન્ટના સ્ટોક અને કોલ ઓપ્શન્સની ખરીદી કરી હતી તેમજ મિત્ર ધીરેન કુમાર પટેલ, અન્ય મિત્ર અને પોતાના ગાઢ પારિવારિક સગા સહિત ત્રણને માહિતી પૂરી આપી હતી જેના પરિણામે તેમણે પણ કોહેરન્ટ સિક્યોરિટીઝમાં વેપાર કર્યો હતો. ધીરેન પટેલે ટ્રેડિંગમાં થનાર નફામાંથી ભારદ્વાજને 50 ટકા હિસ્સો આપવા સંમતિ દર્શાવી હતી. આ પછી, ભારદ્વાજ અને તેના સાથીદારોને કોહેરન્ટ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગથી સંયુક્તપણે લગભગ 900,000 ડોલરનો નફો મળ્યો હતો.
આ જ રીતે ઓક્ટોબર 2021માં ભારદ્વાજને લ્યૂમેન્ટમ દ્વારા નીઓફોટોનિક્સ કોર્પોરેશન હસ્તગત કરાવાની શક્યતા વિશે માહિતી મળી હતી. તેણે આ માહિતી શ્રીનિવાસ કાક્કેરા, અબ્બાસ સઈદી અને રમેશ ચિતોરને આપી હતી જેમણે નીઓફોટોનિક્સ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ કર્યું હતું. રમેશ ચિતોરે તેના નફામાંથી ભારદ્વાજને અડધો હિસ્સો આપવા કબૂલ કર્યું હતું. આ ત્રણેને નવેમ્બર 2021માં કુલ લગભગ 4.3 મિલિયન ડોલરનો નફો મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter