અમેરિકન કંપનીની ભારતમાં રૂ. ૩૬,૪૬૦ બિલિયનના રોકાણની જાહેરાત

Friday 28th May 2021 06:29 EDT
 

નવી દિલ્હીઃ અમેરિકામાં બહુ ઓેછી જાણીતી એવી કંપનીએ દિલ્હીના એક નામાંકિત અખબારના પ્રથમ પેજ પર જાહેરાત આપી હતી કે તે ભારતમાં ૫૦૦ બિલિયન અમેરિકી ડોલર રોકવા માંગે છે. આ જાહેરાત મારફતે કંપનીએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે અમે ન્યુ ઇન્ડિયા વિઝનમાં ભાગ લેવાની તક ઝડપવા માંગીએ છીએ.
ભારતમાં વિદેશી રોકાણો માટે લાલ જાજમ બિછાવાય છે પણ અખબારમાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવતી જાહેરાત પ્રથમ વાર જોવા મળી છે. આવા જંગી રોકાણની જાહેરાત જોઇને સોશિયલ નેટવર્ક તેના પૃથ્થકરણમાં લાગી ગયું હતું.
માઇક્રો બ્લોગીંગ વેબસાઇટ ટ્વિટર પર તો જાહેરાતને મશ્કરી સમાન ગણાવી હતી અને લખાયું હતું કે જાહેરાત આપનાર અમેરિકી કંપનીનું આટલા જંગી રોકાણનું ગજું જ નથી. ટ્વિટર પર એમ પણ લખાયું કે કંપનીનો હેતુ સારો હોઇ શકે પણ આ કંપનીનું નામ પણ કોઇએ સાંભળ્યું નથી અને તેની ૫૦૦ બિલિયન ડોલર રોકવાની ક્ષમતા સામે શંકા ઉભી થાય તે સ્વભાવિક છે.
આ કંપની જે ૫૦૦ બિલિયન ડોલર રોકવાની વાત કરે છે તે હકીકતે તો એમેઝોનના ફાઉન્ડર જેફ બેસોઝ, ટેસ્લાના વડા એલન મસ્ક અને બિલ ગેટ્સની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. રોકાણની આ રકમ ભારતના બજેટ કરતાં પણ વધુ છે.
જાહેરાત અનુસાર આ ફર્મનું નામ લેન્ડમસ રિયાલ્ટી વેન્ચર્સ છે. તેની પાસે ૧૯ લોકોનો સ્ટાફ છે અને તેની વાર્ષિક આવક પાંચ મિલીયન ડોલર છે. આ કંપનીએ એમ પણ લખ્યું છે કે ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપ લાઇન પ્રોજેક્ટમાં તેમજ તે સિવાયના પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગે છે.
અખબાર દ્વારા કંપનીએ વડા પ્રધાનને આ જંગી રોકાણ માટે અપીલ કરી છે. આ જાહેરખબરમાં લેન્ડમસ ગૃપના ચેરમેન પ્રદીપ કુમાર સત્ય પ્રકાશનો ઉલ્લેખ પણ છે. કંપની અમેરિકા સ્થિત હોવાનું કહેવાય છે પરંતુ તે બેંગલુરુમાં રજીસ્ટર થયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter