અમેરિકન ડિગ્રીનું ડ્રીમ મોંઘું બન્યુંઃ ફીમાં 30 ટકાનો તોતિંગ વધારો

Sunday 07th January 2024 08:06 EST
 
 

વોશિંગ્ટન: ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓનું અમેરિકાની ડિગ્રીનું ‘સપનું’ મોંઘું થયું છે. અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓએ એપ્રિલથી શરૂ થનારા નવા સત્રથી ફીમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તો અત્યારથી જ ફી વધારી દીધી છે. અમેરિકાનાં 50 રાજ્યોએ નવા વર્ષથી તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફીમાં વધારાની જાહેરાત કરી છે, જેના પગલે સૌથી વધુ અંદાજે સવા ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીને અસર થશે.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો છે. અહીં દર વર્ષે લગભગ 1 લાખ નવા ભારતીય વિદ્યાર્થી વિવિધ કોલેજ-યુનિવર્સિટીમાં અરજી કરે છે.
એક અનુમાન પ્રમાણે ફીમાં લાગુ કરવામાં આવેલા આ વધારા પછી દરેક ભારતીય વિદ્યાર્થી ઉપર ડિગ્રી દરમિયાન 10 લાખ રૂપિયાનો વધારાનો બોજો પડશે. ભારતીય વિદ્યાર્થીઓ પહેલાથી જ અનેક પ્રકારની પરેશાની અને પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ફીમાં 30 ટકાનો વધારો કરી દેવામાં આવ્યા બાદ સમસ્યા વધી ગઇ છે.
અમેરિકાની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી કેલિફોર્નિયાના સત્તાવાળાઓને ટાંકીને એક અહેવાલમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ બાઇડેને ટીચિંગ સ્ટાફનો પગાર કલાકદીઠ 972 રૂપિયાથી વધારીને રૂ. 1215 કર્યો છે. વેતનવધારા માટે સરકારે વધારાનું ભંડોળ આપ્યું નથી. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી વધારીને ભરપાઈ કરાઈ રહ્યું છે.
સ્કોલરશિપ બહુ ઓછા વિદ્યાર્થીને મળે છે
કોલેજો-યુનિવર્સિટીઓએ ફીમાં વધારા સાથે સ્કોલરશિપ વધારવાની પણ જાહેરાત કરી છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના કહેવા પ્રમાણે ફી 30 ટકા સુધી વધારાઈ છે પરંતુ સ્કોલરશિપમાં માત્ર 5 ટકાનો જ વધારો કરાયો છે. ભારતથી આવનારા લગભગ સવા 3 લાખ વિદ્યાર્થીમાંથી માંડ 6 હજારને જ સ્કોલરશિપ મળે છે. ટકાવારીમાં જોઇએ તો આ આંકડો બે ટકાથી પણ ઓછો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટી ફેકલ્ટી એસોસિયેશનના કહેવા પ્રમાણે ફીમાં વૃદ્ધિથી ભારતીય પ્રતિભામાં ઘટાડો થશે. 70 ટકા ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં જ આગળ સંશોધન કરે છે અથવા અમેરિકાની કંપનીઓમાં કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter