અમેરિકન પ્રમુખપદના દાવેદારોમાંથી જિંદાલ બહાર

Friday 07th August 2015 07:03 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકી બોબી જિંદાલને અમેરિકાના પ્રમુખપદ માટે થયેલા જનમત સંગ્રહમાં પોતાની જ પાર્ટીના ટોપ-૧૦ દાવેદારોમાં સ્થાન મળ્યું નથી. ફોક્સ ન્યૂઝ દ્વારા રિપબ્લિકન પાર્ટીના દાવેદારોની ચર્ચા માટે પાંચ સર્વે થયા હતા જેમાં જિંદાલ ૧૩મા સ્થાને રહ્યા હતા. ચર્ચાની યાદીમાં ટોપ-૧૦માં ન આવવાને કારણે તેઓ હવે બીજી યાદીમાં અન્ય ૬ ઉમેદવારો સાથે રહેશે.

ફોર્બ્સ દ્વારા પ્રથમવાર ટેકનોલોજીના ધનિકોની યાદી જાહેરઃ ફોર્બ્સ મેગેઝીને ટેકનોલોજી વિશ્વમાં સૌથી ધનવાન લોકોની યાદી પ્રથમવાર જાહેર કરી છે. જેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ મોખરે છે. આ યાદીમાં જણાવ્યા મુજબ બિલ ગેટ્સની સંપત્તિ ૭૯.૬ બિલિયન ડોલર છે. ઓરેકલના સ્થાપક લૈરી ઈલિસનથની પાસે ૫૦ બિલિયન ડોલરની સંપત્તિ છે. એમેઝોનના માલિક જેફબેજોસ ૪૭.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. તેની સંપત્તિમાં ૧૩ બિલિયન ડોલરનો વધારો થયો છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ ૪૧.૨ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. આ યાદીમાં સમાવિષ્ટ ૧૦૦માંથી ૯૪ લોકોએ પોતાની કંપની શરૂ કરી છે જેમાંથી ત્રણ લોકોને સંપત્તિ વારસામાં મળી છે, જ્યારે ત્રણ લોકો પોતાની સંપત્તિના વારસા પછી પણ પોતાના વેપારનો વિસ્તાર કર્યો છે.

ત્રણ વર્ષના બાળકને અમેરિકામાં મેયરપદઃ અમેરિકામાં ત્રણ વર્ષના બાળકને એક શહેરનું મેયરપદ મળ્યું છે. આ પદ મેળવનાર તે સૌથી યુવાન છે. અગાઉ તેનો છ વર્ષનો ભાઈ અહીંનો મેયર હતો, જેણે તાજેતરમાં જ પોતાનો બીજો કાર્યકાળ પૂરો કર્યો છે. જેમ્સ ટફ્સને મિનેસોટાના ડોરસેટનો મેયર ચૂંટવામાં આવ્યો છે. તેણે મતદારોને વચન આપ્યું હતું કે, જો તે ચૂંટણી જીતશે તો બધાને આઇસક્રીમ ખવડાવશે, ઉલ્લેખનીય છે કે, ડોરસેટમાં ઓછા લોકો વસે છે. તેમ જ આ એક સુંદર પર્યટન શહેર છે. અહીં માંડ ૨૨થી ૨૮ લોકો રહે છે. તો સાથે જ અહીંયા કોઈ ઔપચારિક સરકારી વ્યવસ્થા પણ નથી.

કેલિફોર્નિયામાં આગને કારણે ૧૩ હજાર લોકોનું સ્થળાંતરઃ કેલિફોર્નિયાના જંગલોમાં ઘણીવાર આગ લાગવાના બનાવ બને છે. તાજેતરમાં ૨૦ સ્થળોએ લાગેલી આગને બુઝાવવા માટે ફાયર વિભાગના હજારો કર્મચારીઓ સતત સક્રિય રહ્યા હતા. આગથી અસરગ્રસ્ત ૧૩ હજાર લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવાયું હતું. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એક ફાયર કર્મચારીનું મોત થયું હતું. અન્ય એક સ્થળે આગમાં ૨૪ મકાનો નાશ પામ્યા હતા. સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે લાગેલી અને રોકી ફાયર તરીકે ઓળખાતી આ ભીષણ આગ લગભગ ૯૦ ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાઈ ચૂકી હતી. આ આગે ભારે વિનાશ વેર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આગ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. દરેક વિસ્તારની આગને જુદાજુદા નામ અપાયા છે. કમોસમી વાતાવરણ, વીજળી પડવાની ઘટનાઓ અને વધુ ઝડપથી ફૂંકાતા પવનને કારણે ફાયરફાઇટરો અને વિમાન દ્વારા પાણીનો છંટકાવ કરવાની કામગીરી સામે વિઘ્ન આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter