અમેરિકન મહિલા અવકાશયાત્રીઓની ટીમે સ્પેસવોક કરીને ઈતિહાસ રચ્યો

Thursday 24th October 2019 05:05 EDT
 

વોશિંગ્ટનઃ નાસાની બે મહિલા અવકાશયાત્રીઓએ વિક્રમસર્જક સ્પેસવોક કર્યું હતું. માત્ર મહિલાઓની ટીમ દ્વારા સ્પેસવોક થયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. નાસાએ ઐતિહાસિક મિશન સફળ થયું હોવાની જાહેરાત કરી હતી. અવકાશયાત્રીઓ - ક્રિસ્ટિના કોચ અને જેસિકા મેઈરના નામે ઐતિહાસિક સિદ્ધિ દર્જ થઈ હતી. નાસાની ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ક્રિસ્ટિના કોચ અને જીવવિજ્ઞાની જેસિકા મેઈરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી બહાર નીકળીને ક્ષતિપૂર્ણ બેટરી બદલવાનું પડકારજનક કામ પાર પાડયું હતું. એ વખતે ચારેય પુરુષ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં જ રહ્યા હતા. માત્ર મહિલાઓની ટીમે સ્પેસવોક કરીને આ નવો ઈતિહાસ સર્જ્યો હતો.

નાસાના સ્પેસક્રાફ્ટ સંવાદદાતા સ્ટેફની વિલ્સને આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે નાસાએ નિયત કરેલા ઓલ મહિલા સ્પેસવોકના મિશનને સફળતા મળી છે. અગાઉ આ વિક્રમ માર્ચમાં થવાનું હતું, પણ મહિલાઓનું ખાસ પ્રકારનું સ્પેસશૂટ બનતું હોવાથી મિશન પાછળ ઠેલાયું હતું. અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું હતું કે અવકાશવિજ્ઞાાનના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું કે માત્ર મહિલાઓની ટીમે સ્પેસવૉક કર્યું હોય. અગાઉ મહિલાઓએ સ્પેસવૉક કર્યું હતું, પરંતુ એ ટીમમાં પુરૂષ અવકાશયાત્રીઓ પણ સામેલ હતા. ક્રિસ્ટિના અને જેસિકા એવી પ્રથમ મહિલા અવકાશયાત્રીની જોડી બની હતી, જેમણે પુરૂષ અવકાશયાત્રીઓ વગર સ્પેસવોક કરીને ઓલ ફિમેલ સ્પેસવોકના નવા પ્રકરણને અંજામ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter