હ્યુસ્ટનઃ અમેરિકામાં ભારતીય પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલની હ્યુસ્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સંદીપ ૧૦ વર્ષ પહેલાં પોલીસ ફોર્સમાં જોડાયા હતા. તેઓ અમેરિકાના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ બન્યા હતા. ૨૭મી સપ્ટેમ્બરે ટેક્સાસના હ્યુસ્ટનમાં આરોપીએ સંદીપ ધાલીવાલ પર અનેક રાઉન્ડ ફાયર કર્યું હતું અને તેઓ મોતને ભેટયા હતા.
સંદીપ ધાલીવાલ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકી પોલીસમાં કાર્યરત હતા અને હત્યા બાદ આરોપી એક શોપિંગ મોલ તરફ ભાગી ગયો હતો. ધાલીવાલે એક ટ્રાફિક સિગ્નલ પાસે આરોપી યુવકની કારને રોકી હતી અને તેને બહાર આવવા આદેશ આપ્યો હતો. તે સમયે આરોપી યુવક પોતાની એક મહિલા મિત્ર સાથે ગાડીમાં બેઠેલો હતો. ધાલીવાલ દ્વારા ગાડીને રોકવામાં આવી ત્યાર બાદ આરોપી ગાડીમાંથી બહાર આવ્યો હતો અને પોલીસ અધિકારીને પાછળથી ગોળીઓ મારી હતી. હત્યા બાદ ઘટના સ્થળેથી ભાગી છુટવા માટે તે એક શોપિંગ મોલમાં ઘૂસી ગયો હતો. જોકે, પોલીસે ધાલીવાલના ડૈશકૈમની મદદથી ૪૭ વર્ષીય આરોપી રોબર્ટ સોલિસની ઓળખ મેળવી હતી અને તેની ગાડીના નંબર પરથી વધારે વિગતો મેળવી તેને ઝડપી લીધો હતો.
ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આપણે એક બહાદુર વ્યક્તિને ગુમાવી છે. ટેક્સાસના સેનેટર જોન કોર્નિને કહ્યું કે ચાર વર્ષ પહેલા જ્યારે આ શીખને ડ્યુટી પર દાઢી અને પાઘડી રાખવાનો અધિકાર મળ્યો હતો ત્યારે તે ગર્વની ક્ષણ હતી. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે અને તેણે વાપરેલું હથિયાર જપ્ત કર્યું છે. સંદીપ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન હતા અને હરિકેન બાદ જે વિસ્તારોમાં તબાહી વ્યાપી હતી ત્યાં લોકોની મદદ માટે તેમણે ઘણો સહકાર આપ્યો હતો.
૨૦૧૫માં તેમણે શીખ પોલીસ અધિકારી દાઢી અને પાઘડી રાખવા દેવા લડત આપી હતી અને તેમાં વિજય મેળવીને રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેઓ હંમેશા પોતાની પાઘડી અને દાઢી સહિતની ઓળખ માટે ગર્વ વ્યક્ત કરતા હતા અને તેમણે શીખોમાં સહકાર બની રહે તે માટે પણ કામ કર્યું હતું.