અમેરિકનો આકરા પાણીએ... 53 ટકાને ટ્રમ્પમાં ભરોસો નથી

Tuesday 07th April 2026 12:26 EDT
 
 

વોશિંગ્ટન: મિડલ ઇસ્ટમાં ઈરાન સામે અમેરિકા યુદ્ધે ચઢ્યું છે તેવા સમયે અમેરિકામાં પહેલી વખત પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતામાં અસાધારણ ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં અડધાથી વધુ શ્વેત મધ્યમ વર્ગનો તેમના જ દેશના પ્રમુખમાં વિશ્વાસ ઘટી ગયો છે અને પહેલી વખત ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ નેગેટિવ થઈ ગયું છે. હાર્વર્ડ કેપ્સ-હેરિસના સર્વે મુજબ અત્યારે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 43ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 53 ટકા છે. મતલબ કે 53 ટકા લોકોને ટ્રમ્પના નેતૃત્વમાં ભરોસો નથી. ટ્રમ્પની ટેરિફ વોર, ઈરાન સામે યુદ્ધ સહિતના કારણોથી અમેરિકામાં વધેલી મોંઘવારીના કારણે યુવાનોથી લઈને વૃદ્ધો, પુરુષોથી મહિલાઓ તેમજ ટ્રમ્પની વોટબેન્ક ગણાતા જીઓપીમાં પણ ટ્રમ્પનું ડિસઅપ્રુવલ રેટિંગ વધી રહ્યું છે.
પ્રમુખ ટ્રમ્પે નવેમ્બર 2024માં 8 કરોડથી વધુ અમેરિકનોના સમર્થનથી પ્રમુખપદની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટ્રમ્પની સાથે રિપબ્લિકન પાર્ટીએ પણ સેનેટ અને હાઉસ બંનેમાં બહુમતીથી વિજય મેળવ્યો હતો, પરંતુ પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના એક જ વર્ષમાં ટ્રમ્પની લોકપ્રિયતા તળીયે જઇ બેઠી છે.
હાર્વર્ડ કેપ્સ-હેરિસના તાજા સરવેમાં જણાયું કે ટ્રમ્પનું એકંદર અપ્રુવલ રેટિંગ 43 ટકા છે જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 53 ટકા છે. આમ, ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ માઈનસ 10 એટલે કે નેગેટિવ થઈ ગયું છે. રિપબ્લિકન્સ અને યુવા મતદારોમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે. સરવેમાં ભાગ લેનારા રિપબ્લિકન પાર્ટીના ટેકેદારો (જીઓપી)માં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને 79 ટકા થયું છે, જે ફેબ્રુઆરીમાં 83 ટકા હતું. એ જ રીતે 18 થી 24 વર્ષના યુવાનોમાં પણ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 38 ટકાથી ઘટીને 25 ટકા થઈ ગયું છે. અમેરિકન પુરુષોમાં ડીસઅપ્રુવલ રેટિંગ ઘટીને 51 ટકા જ્યારે મહિલાઓમાં 59 ટકા થયું છે.
ટોચના મીડિયા ગૃહ સીએનએનના તાજા સરવેમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સરવેમાં અમેરિકન શ્વેત મધ્યમ વર્ગના મતદારોમાં ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ પહેલી વખત નેગેટિવ થઈ ગયું છે. સીએનએન દ્વારા 26થી 30 માર્ચ વચ્ચે હાથ ધરાયેલા પોલ મુજબ શ્વેત મધ્યમ વર્ગના અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 49 ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 51 ટકા છે. આમ, નેટ અપ્રુવલ માઈનસ 1 ટકા એટલે કે નેગેટિવ થઈ ગયું છે. આ વર્ગને ટ્રમ્પની મુખ્ય વોટ બેન્ક મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter