અમેરિકનો સાથે $૧કરોડની છેતરપિંડી કરનાર ગુજરાતીને ૨૨વર્ષની જેલ

Wednesday 22nd September 2021 07:17 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાની કોર્ટે ઓવરસીઝ રોબોકોલ કૌભાંડમાં સંડોવણી બદલ ગુજરાતના અમદાવાદના રહેવાસી ૪૦ વર્ષીય શહેઝાદખાન પઠાણને ૪૦૦૦થી વધુ અમેરિકનો સાથે એક કરોડ ડોલરની છેતરપિંડી આચરવા બદલ ૨૨ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસના છ આરોપી પૈકી પઠાણ ચોથો આરોપી છે જેને સજા કરાઈ છે.
તે અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આ કોલ સેન્ટરમાંથી ઓટોમેટેડ રોબોકોલ્સ દ્વારા અમેરિકામાં ફોન કરીને ત્યાંના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે ફોન પર સંપર્ક સાધ્યા પછી પઠાણ અને તેના સાથીઓ અમેરિકન નાગરિકોને રોકડ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી રકમ ટ્રાન્સફર કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા હતાં.
પઠાણ અને તેના સહયોગીઓ નાણાં મોકલવા માટે પ્રલોભન આપનારી અનેક યોજનાઓ બતાવતા અને પોતાની ઓળખ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(એફબીઆઇ) અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન(ડીઇએ) તથા અન્ય સરકારી એજન્સીઓના પ્રતિનિધિ તરીકે આપતા હતાં. તેઓ પીડિતોને  વિવિધ કાયદાકીય અને નાણાકીય પરિણામો ભોગવવાની ધમકી પણ આપતા હતાં.
ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ વર્જિનિયાના એક્ટિંગ યુએસ એટર્ની રાજ પારેખે જણાવ્યું હતું કે શહેઝાદખાન પઠાણ આ અપરાધનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે અને તેને કોલ સેન્ટર દ્વારા ૪૦૦૦થી વધુ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવા બદલ ૨૨ વર્ષની સજા ફટકારવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter