વોશિંગ્ટનઃ કોનો ક્યારે સમય બદલાય છે તે કોઇ જાણતું નથી. એક સમયે ભારત જેવા દેશમાં ભૂખ્યા લોકોની લાઇનો જોઈને અમેરિકનો હસતા હતા, અને આજે તેઓ પોતે જ આવી લાઇનમાં દેખાઇ રહ્યા છે. આજે અમેરિકનો એક ટંકના ભોજન માટે ફૂડ બેન્કની બહાર લાઇન લગાવીને ઊભા છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ચાર કરોડથી પણ વધુ અમેરિકનો 21મી સદીમાં આ પ્રકારનો સરકારી ભૂખમરો વેઠશે.
અમેરિકામાં શટડાઉન 24 ઓક્ટોબરે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે પગાર વિનાના ફેડરલ વર્કર્સ જેમાં સૈનિકોનાં કુટુંબીજનો પણ સામેલ છે તેઓ ‘ફૂડ-બેન્ક’ સામે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળતા હતા. આ પરિસ્થિતિ માત્ર એક બે રાજ્યોમાં જ નહીં પરંતુ કેલિફોર્નિયા, મેરીલેન્ડ, ટેક્સાસ અને એરિઝોના સહિત બીજા કેટલાંયે રાજ્યોમાં જોવા મળી છે.
વિધિની વક્રતા તે છે કે વિશ્વનાં સૌથી શ્રીમંત રાષ્ટ્રમાં અમેરિકન્સ, ‘ફ્રી-મિલ્સ’ (વિનામૂલ્યે ભોજન) માટે લોકો કતારો લગાવી રહ્યા છે કારણ કે તેઓને ભીતિ છે કે, આગામી મહિનાથી તો કદાચ આ પણ નહીં મળે. સોશ્યલ મીડીયા ઉપર ફરતા થયેલા અનેક વીડિયોમાં આ લાંબી કતારો જોવા મળે છે. એક અંદાજ છે કે, ઓછામાં ઓછા 4 કરોડ 10 લાખ અમેરિકન્સ તો ‘સપ્લીમેન્ટલ ન્યુટ્રિશ્યન આસિસ્ટન્સ પ્રોગ્રામ’ (એસએનએપી) ઉપર નિર્ભર છે. જેમાં મિનેસોટા, કેલિફોર્નિયા, પેન્સિલવાનિયા, મેરીલેન્ડ જેવા રાજ્યોમાં લાંબી કતારો દેખાઈ રહી છે.
સોશ્યલ મીડિયા પર ઘણાએ જણાવ્યું હતું કે ફેડરલ ગવર્નમેન્ટનું ‘શટડાઉન’ ચાલુ રહેતાં 7 લાખ જેટલા ફેડરલ વર્કર્સ પડતા મુકાયા છે. લગભગ તેટલા જ પગાર વિના કામ કરે છે.


