વોશિંગ્ટનઃ વાવાઝોડા લી અમેરિકાની સાથે સાથે કેનેડામાં તેની વિનાશક અસર છોડી રહી છે. નોવા સ્કોટિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. અનેક સ્થળોએ કલાકના 112 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ન્યૂ ઇંગ્લેન્ડ અને કેનેડામાં સેંકડો વિમાનો અને ફેરી સેવાઓ રદ કરી દેવાઇ છે અને સ્ટોર્મ વોર્નિંગ્સ જારી કરી દેવાઇ છે. અમેરિકાના રાજ્ય મેરિનમાં ઝાડ પડી જતાં એક માણસનું મોત થયું છે.
નોવા સ્કોટિયામાં આશરે દોઢ લાખ લોકો વીજળી વગર રહ્યા હતા. મૈઇનેમાં વીજ પુરવઠો ગુલ થતાં 50,000થી વધુ લોકો અંધારપટમાં ગરકાવ થઇ ગયા હતા. યુએસ નેશનલ હરિકેન સેન્ટરના અધિકારીઓએ એટલાન્ટિક તોફાન લીને આપેલી ચેતવણી કેટલાક વિસ્તારો માટે પરત ખેંચી લેતાં લોકોએ કંઇક અંશે રાહતની લાગણી અનુભવી હતી. જોકે હાલ તો ન્યૂ ઈંગ્લેન્ડ અને મેરીટાઈમ કેનેડામાં ભારે પવન સાથે પડેલા વરસાદે વિનાશ વેર્યો છે.
બાઇડેન તંત્ર દ્વારા મૈઇને પ્રાંત માટે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આ રાજ્ય માટે તમામ શક્ય મદદો પહોંચતી કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમે આ મહાકાય ખતરનાક તોફાનના માર્ગમાં આવતાં તમામ લોકોને સતર્ક રહેવા સાવચેત કરીએ છીએ.