અમેરિકા પર શટડાઉનનો ખતરો મંડરાઇ રહ્યો છેઃ સરકારી કર્મચારીઓના પગાર અટવાશે

Saturday 30th September 2023 12:01 EDT
 
 

વોશિંગ્ટનઃ ચીન પછી હવે અમેરિકાની ઈકોનોમી સામે પણ મોટું સંકટ સર્જાયું છે. અમેરિકા પર દેવાનો બોજ વધીને 33 ટ્રિલિયન ડોલરનો આંક વટાવી ગયો છે. બીજી તરફ રોજબરોજનાં નાણાકીય વ્યવહારો માટે સરકાર પાસે પૈસા ખૂટી ગયા છે.
નવું દેવું ઊભું કરવા સરકારે સંસદની મંજૂરી લેવી પડે તેમ છે. જો સંસદ દ્વારા નવું દેવું ઊભું કરીને ત્યાં નાણાકીય સંકટ ટાળવાની મંજૂરી નહીં મળે તો શટડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં સરકારી કર્મચારીઓ માટે પગાર કરવાનાં ફાંફાં પડશે અને તેમનો પગાર અટવાઈ જશે. દર અઠવાડિયે યુએસ ઈકોનોમીને 6 બિલિયન ડોલરનો ફટકો પડશે. સરકારી સેવાઓ બંધ થઈ જશે અને મંદીની નોબત આવશે.

આર્થિક મુશ્કેલી વધશે
અમેરિકા પહેલેથી જ મંદીનો માર સહન કરી રહ્યું છે. ત્યારે ઈકોનોમી પર ઘેરી મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યા છે. દેશમાં ફ્યૂઅલની કિંમતમાં અસહ્ય વધારો થયો છે. ઓટો ઈન્ડસ્ટ્રીનાં કર્મચારીઓ હડતાળ પર છે. મોંઘવારીએ માઝા મૂકી છે. દેશની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

તો સરકારી સેવાઓ ઠપ્પ થશે
અમેરિકામાં શટડાઉનની ભીતિ વધી રહી છે. જો 30 સપ્ટેમ્બર સુધીમાં હંગામી ખર્ચા માટે જરૂરી રકમ ઊભી કરવા ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે સમજૂતી નહીં થાય તો શટડાઉનની સ્થિતિ લાગુ પડી શકે છે. આવા સંજોગોમાં સરકાર એજન્સીઓ તેમજ તમામ સરકારી કામકાજો માટે પૂરતું ફંડ મેળવી શકશે નહીં તેથી તમામ સરકારી કામકાજો અટવાઈ જશે. સરકારી સેવાઓ ઠપ થઈ જશે. સરકારી કર્મચારીઓના પગાર થઈ શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પનાં શાસનકાળમાં 35 દિવસ લાંબું શટડાઉન ચાલ્યું હતું અને તમામ સરકારી કામકાજ ખોરવાઈ ગયા હતા. આવશ્યક સેવાઓ સિવાય સરકારી કર્મીઓને અનપેઈડ લીવ પર જવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter