નવી દિલ્હી / વોશિંગ્ટનઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આગામી બીજી સપ્ટેમ્બરથી વિઝા ઇન્ટરવ્યુ માટે કેટલાક નવા નિયમો અમલમાં મૂકી રહ્યું છે, જેમાં વિઝા રિન્યુ કરાવવા માંગતા લોકો માટે વિઝા ઇન્ટરવ્યુ માટે અપાયેલી છૂટ 48 મહિનાથી ઘટાડીને 12 મહિના કરાઇ છે. આમ હવે B/1 અને B/2 વિઝા રિન્યુ કરાવવા માંગતા કે વિઝા મેળવવા માગતા લોકોએ 48 મહિનાને બદલે 12 મહિનામાં જ અરજી કરી દેવાની રહેશે. સપ્ટેમ્બર મહિનાથી વધુને વધુ લોકોએ B/1 અને B/2 વિઝા મેળવવા કે રિન્યૂ કરાવવા યુએસ દૂતાવાસમાં રૂબરૂ હાજર થવું પડશે. વિઝાની નવી નીતિ ખાસ કરીને B/1 અને B/2 વિઝા (એટલે કે બિઝનેસ કે પ્રવાસ પર્યટન માટેનાં વિઝા) રિન્યુ કરાવવા ઇચ્છનારને લાગુ પડશે. અત્યાર સુધી જે અરજદારોનાં વિઝા છેલ્લા 48 મહિનામાં પૂરા થઈ ગયા હોય તેઓ રૂબરૂ હાજર થયા વિના વિઝા રિન્યુની અરજી કરી શકતા હતા હવે આ છૂટ ઘટાડીને 12 મહિનાની કરાઈ છે.
નવી વિઝા ઇન્ટેગ્રિટી ફી
આ ઉપરાંત ટ્રમ્પ સરકાર દ્વારા આ મહિનાની શરૂઆતથી નવી વિઝા ઇન્ટેગ્રિટી ફી 250 ડોલર એટલે કે આશરે રૂ. 21,000 નક્કી કરાઇ છે જે તમામ પ્રકારનાં ઇમિગ્રન્ટસ માટેની વિઝા કેટેગરીને લાગુ પડે છે. જોકે આ ફી વિઝા અરજી વખતે નહીં પણ વિઝા સ્વીકૃતિ સમયે ભરવાની રહેશે.