વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ભારત-અમેરિકાની વચગાળાની ટ્રેડ ડીલ સમજૂતીની ચર્ચા ચાલી રહી છે ત્યારે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) ઓફિસે ભારતનો નકશો શેર કર્યો છે. જેમાં સંપૂર્ણ જમ્મૂ-કાશ્મીર વિસ્તાર, જેમાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબ્જા હેઠળના વિસ્તાર)ને ભારતના ભાગ તરીકે દર્શાવાયા છે. ટ્રમ્પ વહીવટી તંત્રના આ પગલાએ સોશિયલ મીડિયામાં ગરમાવો તો લાવી દીધો છે, પરંતુ તેની સાથે સાથે પડોશી દેશો પાકિસ્તાન અને ચીનની પણ ઊંઘ હરામ કરી દીધી છે. હવે ટ્રમ્પ તંત્રે જાણીજોઈને આમ કર્યું છે કે કે અજાણતા આ નકશો જારી કર્યો છે તે જોવાનું રહ્યું. પરંતુ તેમાં ભારતની સરહદોને સંપૂર્ણ માન્યતા આપવામાં આવી છે. જાણવાની વાત એ છે કે ભારત કાયમ જમ્મુ-કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ ગણાવતું રહ્યું છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં જમ્મુ-કાશ્મીરના વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’ (તૂટક રેખાઓ) દ્વારા દર્શાવવામાં આવે છે. પરંતુ આ વખતે યુએસટીઆરની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નકશાએ સૌને ચોંકાવી દીધા છે.
ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ તેને ભારતની એક મોટી રાજદ્વારી જીત માની રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ અમેરિકા દ્વારા ભારતની પ્રાદેશિક અખંડિતતાને અપાયેલી અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ માન્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે વ્યાપારી વાટાઘાટો વચ્ચે આ પ્રકારનો નકશો જાહેર કરવો એ માત્ર કોઈ ‘તકનીકી ભૂલ’ હોઈ શકે નહીં, પરંતુ તે ચીન અને પાકિસ્તાનને આપવામાં આવેલો એક કડક સંદેશ હોઈ શકે છે.
આ પગલાંનો અર્થ શું?
અમેરિકાના આ પગલાને અનેક દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. તે દર્શાવે છે કે સંરક્ષણની સાથે સાથે હવે વ્યાપારી અને રાજકીય મોરચે પણ અમેરિકા ભારતના વલણની નજીક આવી રહ્યું છે. અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો ગણાવીને ટ્રમ્પ વહીવટી તંત્રે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પ્રાદેશિક વિવાદોમાં ભારતના દાવાનું સમર્થન કરે છે. PoKને ભારતના નકશામાં સામેલ કરવું એ પાકિસ્તાનના એ નેરેટિવ (વાર્તા)ને નબળું પાડે છે જેને તે આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાનો પ્રયાસ કરતું રહે છે.
1947થી ચાલતો વિવાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે PoK વિવાદ 1947થી ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ, તણાવ અને રાજદ્વારી લડાઈનું કારણ બનેલો છે. અક્સાઈ ચીન વિવાદ ભારત અને ચીન વચ્ચેના સૌથી જૂના અને સૌથી સંવેદનશીલ સીમા વિવાદોમાંનો એક છે. આ વિસ્તાર અંદાજે 38,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ વિવાદ 1962ના ભારત-ચીન યુદ્ધનું મુખ્ય કારણ બન્યો હતો. યુદ્ધ પછી ચીને લગભગ 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું અને ‘લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ’ (LAC) તરીકે વર્તમાન સીમા બનાવવામાં આવી. 1962ના યુદ્ધ પછી અક્સાઈ ચીન પર ચીનનો કબજો ચાલુ રહ્યો છે.


