અમેરિકાએ ચોરાયેલી ૨૫૦ કલાકૃતિઓ ભારતને પરત સોંપી

Wednesday 03rd November 2021 07:46 EDT
 
 

ન્યૂ યોર્કઃ સ્ટોલન આર્ટ સ્કીમની લાંબી તપાસ પછી અમેરિકન ઓથોરિટીઝે ૨૮મી ઓક્ટોબરે ભારતને ૨૫૦ પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી હતી. ન્યૂયોર્ક સિટીમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે એક સમારંભમા લગભગ ૧૫ મિલિયન ડોલરની આ કલાકૃતિઓ પરત સોંપાઈ હતી. તેમાં શિવ નટરાજનની ૪ મિલિયન ડોલરના બ્રોન્ઝના સેન્ટરપીસનો પણ સમાવેશ થાય છે. અગાઉ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અને યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા તપાસ કરાઈ હતી. તપાસમાં ભારતીય અમેરિકન ડીલર સુભાષ કપૂર દ્વારા કથિત રીતે દાણચોરી દ્વારા અમેરિકામાં લાવવામાં આવેલી હજારો પ્રાચીન કલાકૃતિઓ પર વિશેષ ધ્યાન અપાયું હતું. જોકે, તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

ડિસ્ટ્રિક્ટ એટર્ની સાયરસ વાન્સ જુનિયરે જણાવ્યું હતું કે વ્યક્તિગત ફાયદા માટે પવિત્ર મંદિરોમાં છાપો મારનારા લોકો દેશની વીરાસત સામે જ નહીં પરંતુ, તેના વર્તમાન અને ભવિષ્ય સામે પણ ગુના આચરે છે. ઓથોરિટીઝે જણાવ્યું હતું કે ભારતમાં જલની સજા ભોગવી રહેલા કપૂરે ભારત અને દક્ષિણપૂર્વ એશિયાના અન્ય દેશોના લૂંટાયેલા ખજાનાની હેરાફેરી કરવા માટે ન્યૂ યોર્કની તેની આર્ટ્સ ઓફ ધ પાસ્ટ ગેલેરીનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં ૧૪૩ મિલિયન ડોલરની ૨,૫૦૦ કલાકૃતિઓ મળી આવી હતી અને કપૂર પરિવારના છ સભ્યોને સહ ષડયંત્રકારીઓ તરીકે દોષી ઠેરવાયા હતા.
શિવ નટરાજનની મૂર્તિ ગેલેરી ઓપરેટર નેન્સી વિયેનરની માતાએ વેચી હતી. આ મહિને તેણે કાવતરું ઘડવાનો અને ચોરાયેલી પ્રોપર્ટી પોતાની પાસે રાખવાનો ગુનો કબૂલ્યો હતો. નેન્સી વિનરે લૂંટાયેલી વસ્તુઓ ઓસ્ટ્રેલિયા અને સીંગાપુરના મોટા મ્યુઝિયમોને વેચી હતી.
ગયા જૂનમાં તપાસના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ દ્વારા ૩.૮ મિલિયન ડોલરની કિંમતની ૨૪થી વધુ કલાકૃતિઓ કમ્બોડિયાને પરત સોંપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter