વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતમાં વિઝા એપોઈમેન્ટ માટે બુકિંગમાં ઘાલમેલ કરનાર બોટ્સ એજન્ટો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકાનાં ભારત ખાતેનાં દૂતાવાસે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી કે તેણે આશરે 2000 જેટલી વિઝા એપોઈન્ટમેન્ટ રદ કરી છે, જે બોટ્સ દ્વારા (કોમ્પ્યુટર દ્વારા ઓટોમેટિક) બુક કરાઇ હતી.
અમેરિકાની એલચી કચેરીએ આ પ્રકારની હરકતોને તેની શિડ્યુલીંગ પોલિસીનાં ભંગ સમાન ગણાવી હતી. દૂતાવાસે કહ્યું હતું કે અમારી કોન્સ્યુલર ટીમે ભારતમાં 2000 વિઝા એપોઈન્ટમેન્ટ રદ કરી છે. અમે આવા એજન્ટો દ્વારા કરાતી પ્રવૃત્તિ અંગે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીએ છીએ. આવી એપોઈન્ટમેન્ટ રદ કરીને તેની સાથે જોડાયેલા ખાતાઓની શિડ્યુલિંગ ફેસિલિટીને રદ કરીએ છીએ.
યુએસ વિઝા એપોઈન્ટમેન્ટ માટે અગાઉ પણ ગોટાળાનાં અહેવાલો આવતા રહ્યા છે. સામાન્ય લોકો માટે સમયસર એપોઈન્ટમેન્ટ મેળવવી મુશ્કેલ બની છે. એજન્ટોને મોટી રકમ આપવાથી વિઝાની એપોઈન્ટમેન્ટ વહેલી મળી જતી હોય છે. કેટલાક એજન્ટો દ્વારા રૂ. 30,000 લઈને વહેલી એપોઈન્ટમેન્ટ લેવામાં આવી રહી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
6 મહિનાનું વેઈટિંગ
હાલ અમેરિકાનાં બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા (B1/B2) મેળવવા માટે 6 મહિના કરતા વધારે સમય લાગે છે. એજન્ટોને રૂ. 30.000થી રૂ. 35,000 આપવાથી એક મહિનામાં જ વિઝા એપોઈન્ટમેન્ટ મળે છે. એજન્ટો દ્વારા બોટ્સનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં સ્લોટ બૂક કરી લેવાય છે, પરિણામે સામાન્ય લોકોને પોતાની જાતે સ્લોટ મળતો નથી.