અમેરિકાએ ભારતને આપી પ્રાચીન વારસાની મૂલ્યવાન ભેટ

Saturday 02nd October 2021 04:31 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ બાદ ભારત ફરી રહેલા વડા પ્રધાન મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ૧૫૭ પ્રાચીન ભારતીય કળાકૃતિઓની ભેટ આપી હતી. આ કળાકૃતિઓમાં સુંદર અને કલાત્મક મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદીએ ભારતને પ્રાચીન વારસાની આ અમૂલ્ય ભેટ આપવા બદલ બાઇડેનનો આભાર વ્યક્ત કર્યો હતો. દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના આશયથી અમેરિકાએ ભારતને સોંપેલી આ કળાકૃતિઓમાં ૧૦મી સદીથી માંડીને ૧૮મી સદીની કળાકૃતિઓનો સમાવેશ થાય છે. આ સાથે બંને દેશોએ સાંસ્કૃતિક વારસાની કળાકૃતિઓની દાણચોરી અને તેના ગેરકાયદે વેપારને અટકાવવા માટેના પ્રયાસોને મજબૂત બનાવવા માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. અમેરિકાએ ભારતને પરત કરેલી ૧૫૭ કળાકૃતિઓમાં દોઢ મીટરની ૧૦મી સદીના રેતીયા પથ્થરની મૂર્તિથી લઈને ૧૨મી સદીની નટરાજની કાંસ્યની ૮.૫ સેમીની મૂર્તિઓ સામેલ છે. આ ઉપરાંત આ કળાકૃતિઓમાં ૭૧ સાંસ્કૃતિક, ૬૦ હિન્દુ ધર્મ, ૧૬ બૌદ્ધ ધર્મ અને ૯ જૈન ધર્મને લગતી હતી. આ કળાકૃતિઓ ધાતુ, પથ્થર અને ટેરાકોટાની બનેલી છે. કાંસ્ય કળાકૃતિઓમાં લક્ષ્મી-નારાયણ, શિવ-પાર્વતી, નટરાજ, બુદ્ધ, વિષ્ણુ અને ૨૪મા જૈન તીર્થંકર તેમજ અનેક અનામી દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter