અમેરિકાએ મેક્સિકો સરહદ સીલ કરીઃ ૧.૨૫ લાખ વાહન થંભી ગયાં

Wednesday 10th April 2019 08:40 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપ્રવાસીઓની ઘૂસણખોરી રોકવાની નીતિ પર અમલ સાથે અમેરિકા-મેક્સિકો સરહદ અમેરિકાએ બંધ કરી દીધી છે. તેની અસર ત્યાંથી પસાર થનારા વાહનો, કરિયાણુ અને શાકભાજી સપ્લાય પર થવા લાગી છે તો બીજી તરફ આઠમી એપ્રિલે અહેવાલ પ્રકાશિત થયા છે કે મેક્સિકો સરહદે ચાપતા બંદોબસ્તથી અમેરિકામાં ઘૂસવા જતાં પકડાયેલા ભારતીયોની સંખ્યામાં ૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે અમેરિકા અને મેક્સિકો સરહદ બંધ થવાથી બંને દેશોને નુક્સાન પણ ભોગવવું પડશે તેવા અહેવાલ છે.
ટ્રમ્પની ચીમકી
અમેરિકા અને મેક્સિકો બંને દેશો વચ્ચે સૌથી મોટું વેપાર નાકુ સેન ડિયાગોનું સેન સિડ્રો છે જ્યાંથી દરરોજ લગભગ રૂ. ૧૨ હજાર કરોડના માલ-સામાનની હેરફેર થાય છે. દરરોજ ૬ હજાર ટ્રક અને ૧.૨૬ લાખ કાર સરહદ ઓળંગે છે. બોર્ડર બંધ થવાથી આ વાહનોની અવરજવર અટકી હતી. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે જો મેક્સિકો સરહદે ઘૂસણખોરી બંધ નહીં થાય તો લાંબા સમય સુધી સરહદ બંધ કરીશ.
અમેરિકાની મેક્સિકો સાથેની ૩૨૦૦ કિ.મી. લાંબી સરહદ છે. મેક્સિકો-ચીન-કેનેડા બાદ અમેરિકાનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર છે. બંને વચ્ચે વાર્ષિક રૂ. ૪૩ લાખ કરોડનો વેપાર થાય છે. અમેરિકા રૂ. ૨૫ લાખ કરોડનો સામાન મેક્સિકો મોકલે છે તો મેક્સિકો પાસેથી રૂ. ૧૮ લાખ કરોડનો સામાન ખરીદે છે.
ટ્રમ્પ પર કેસ કરીશું
ટ્રમ્પ સરકારે મેક્સિકો સરહદ લોક કર્યા પછી અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની કાયદાકીય સલાહકાર સમિતિએ દેશમાં ઇમર્જન્સી લગાવવા અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. સમિતિમાં ડેમોક્રેટિક પક્ષના ૩ અને રિપબ્લિકન પક્ષના ૨ સભ્ય છે. ટ્રમ્પ વિરુદ્ધ નિર્ણય ૩-૨ના મતથી આવ્યો હતો. આ અંગે ટ્રમ્પ સરકારે નિવેદન જારી કરી રહ્યું કે આ મુદ્દાની સમીક્ષા અદાલતમાં કરી શકાય નહીં. તે શક્ય નથી.
ભારતીયોની સંખ્યામાં ઘટાડો
કેલિફોર્નિયામાં મેક્સિકોની સરહદે બંધાયેલી દિવાલના કારણે અમેરિકામાં ઘુસવાના પ્રયાસ બદલ પકડાયેલા ભારતીયોની સંખ્યામાં ૫૬ ટકાનો ઘટાડો થયો હોવાનું ટ્રમ્પ વહીવટી તંત્રના એક ટોચના અધિકારીએ પ્રમુખને કહ્યું હતું. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરોને રોકવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર મેક્સિકોની દક્ષિણ તરફ એક કુવો પણ બનાવી રહ્યું છે. ડેલ રિઓ સેકટરના ચીફ પેટ્રોલ એજન્ટ ફેલિક્ષ ચાવેઝે કેલિફોર્નિયામાં ટ્રમ્પને રાઉન્ડ ટેબલ બેઠકમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીથી ઓકટોબર એમ આઠ મહિનામાં આ દિવાલ બનાવવામાં આવી હતી.
દિવાલને જોવા માટે ટ્રમ્પ પોતે ડેલ રિઓ સેકટરમાં ગયા હતા. ચાવેઝે કહ્યું હતું કે, ગેરકાયદે ઘૂસણખોરીમાં ૭૫ ટકાનો ઘટાડો થયો હતો. દિવાલની બાંધકામ પૂરું થતાં જ અમે તેની અસર અને પરિણામ જોવાની શરૂઆત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter