વોશિંગ્ટનઃ યુએસ સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે. સરકારે પાંચ વર્ષની સમયમર્યાદાના ઈએડી એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની જાહેરાત કરી છે. ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોની સાથે બિન-ઈમિગ્રન્ટ કેટેગરીના લોકોને આ કાર્ડ અપાશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે જણાવ્યું હતું કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટની અવધિ વધારીને 5 વર્ષ કરાઇ છે. કાર્ડની પાંચ વર્ષની સમયમર્યાદાનો લાભ અનેક ભારતીયોને થશે.
ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર, આઈએનએ-245 હેઠળ હકાલપટ્ટી રદ્દ કરવી અને દેશનિકાલના સસ્પેન્શનની અરજીનો પણ સમાવેશ કરાયો છે. ઈએડીની માન્યતાની અવધિ વધારીને પાંચ વર્ષ કરવા પાછળનો હેતુ આઈ-765 ફોર્મની અરજીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. આ સાથે જ સંસ્થાના પ્રોસેસ ટાઇમ અને બેકલોગને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપશે.
એક રિપોર્ટમાં તાજેતરમાં જ જણાવાયું હતું કે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 10.5 લાખથી વધુ ભારતીયો કતારમાં છે અને તેમાંથી 4 લાખ અમેરિકામાં કાયમી રહેઠાણના કાનૂની દસ્તાવેજો મેળવે તે પહેલાં જ મૃત્યુ પામી શકે છે.